ઉનાળુ પાકો સુકાવા સાથે ખેડૂતોને પશુ ધન બચાવવું પણ મુશ્કેલ; પાંચ પંપિંગથી કાચી કેનાલમાં પાણી છોડવાની ઉગ્ર માંગ; બનાસકાંઠા જિલ્લાના પાંચ તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ ભર ઉનાળે કોરીધાકોર પડી છે. જેથી ખેતી પાકો સુકાવા સાથે પશુઓની જાળવણી કરવી પણ મુશ્કેલ બનતા વધુ પંપિંગથી કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે.
કાંકરેજ, દિયોદર,થરાદ, લાખણી અને ડીસામાંથી પસાર થતી આશીર્વાદ સમાન સુજલામ સુફલામ કેનાલ હાલમાં ખાલીખમ છે. તેથી ભૂગર્ભ જળમાં ધરખમ ઘટાડો થયો છે. ખેડૂતોને કુવાથી સિંચાઈ કરવાની જગ્યાએ બોરવેલો બનાવવા પડ્યા પણ હવે પાણીના તળ ઊંડા જવાના કારણે આજે બોરવેલો પણ 1000 થી 1200 ફૂટે પહોંચ્યા છે.તો પણ બોરવેલ પાણી ઉલેચતા નથી અને ફેલ થવા લાગ્યા છે. જેના પગલે ખેડૂતો દેવા તળે દબાઈ રહ્યા છે. ખેડૂતોને બેઠા કરવા એકમાત્ર વિકલ્પ અહીંથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં બારેમાસ પાણી છોડાય તે જ છે. તો જ ખેતીને જીવતદાન મળી શકે તેમ છે. પરંતુ સરકારે ખેડૂતોના હિતમાં ગત 15 મેના રોજ કેનાલમાં પાણી છોડવાનો આદેશ કર્યો હતો. પણ રાજકીય દબાણ હેઠળ ગત 22 મેના રોજ ચાંગા પંપિંગ સ્ટેશનેથી માત્ર એક પંપિંગથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે. આજે બીજા દિવસે બે પંપિંગથી પાણી છોડવામાં આવ્યું છે. પણ ઓછા પંપિંગના કારણે હજી સુધી કેનાલમાં પાણી આવ્યું નથી.ગામ તળાવો પણ ખાલી પડ્યા છે. તેથી બાજરી અને ઘાસચારો સુકાવા લાગ્યો છે. જ્યારે પશુધન બચાવવું પણ મુશ્કેલ થઈ પડયું છે. જેને લઈ કાચી કેનાલમાં ચાર પંપિંગથી અને એક પંપિંગથી ગામ તળાવો ભરવાની ખેડૂતોએ માંગ કરી હતી.
ચાંગા પંપિંગ સ્ટેશનના સંચાલનમાં રાજકીય હસ્તક્ષેપ; ચાંગા પંપિંગ સ્ટેશનના સંચાલનમાં અમુક ધારાસભ્યો દ્વારા કોન્ટ્રાક્ટર, અધિકારી અને ઓપરેટરોને કામ કરવા દેવામાં અડચણ ઊભી કરવામાં આવે છે.તેવા આક્ષેપ ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ કરી તેનાથી પંપિંગ પ્રક્રિયા ખોરવાય છે.અહીં દખલગીરી માત્ર ગેરકાયદેસર નથી પરંતુ વિજળી સંબંધિત તકનિકી કામમાં અવ્યવસ્થાના કારણે ગંભીર દુર્ઘટનાનું પણ જોખમ ઊભૂ થાય છે. તેથી તેમણે મુખ્યમંત્રી સમક્ષ કોઈ પણ રાજકીય નેતા પંપિંગ સ્ટેશનમાં પ્રવેશ ન કરે,સરકારના આદેશ મુજબ વિલંબ વગર ખેડૂતો સુધી પાણી પહોંચે,પંપિંગ સ્ટેશનોનું સંચાલન માત્ર પ્રેસ્ક્રાઈબ્ડ ઓપરેટરો અને અધિકારીઓ દ્વારા જ કરવામાં આવે તેવી ખેડૂતો વતી માંગ કરી હતી.


