પરીક્ષા કેન્દ્રના સ્થળના હદ મર્યાદાથી બહાર ૧૦૦ મીટરના ત્રિજ્યા વિસ્તારમાં વિવિધ કૃત્યો પર પ્રતિબંધ
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ યોજાવાની છે. બનાસકાંઠા જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું સંચાલન સરળતાથી થાય, પરીક્ષા શાંત અને સ્વચ્છ વાતાવરણમાં યોજાય તેમજ વિશ્વસનીયતાનું વાતાવરણ સર્જાય, ભય વગર ખંડ નિરીક્ષકો નિરીક્ષણ કરે તેમજ બનાસકાંઠા જિલ્લાના તમામ પરીક્ષા સ્થળોની અંદર તથા તેની હદ મર્યાદાથી બહારના ૧૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં ઝેરોક્ષની દુકાનો બંધ રહે તેમજ માણસોના ટોળા એકઠા ન થાય તે માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ (આઈ.એ.એસ) દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
જેમાં બનાસકાંઠા જિલ્લાના સામેલ તમામ નિયત થયેલ પરીક્ષા કેન્દ્રોના સ્થળો ઉપર તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી પરીક્ષા કેન્દ્રના સ્થળના હદ મર્યાદાથી બહાર ૧૦૦ મીટરના ત્રિજ્યા વિસ્તારમાં વિવિધ કૃત્યો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સબંધિત કામગીરીમાં રોકાયેલ ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન અધિકૃત માણસોએ પરીક્ષા કેન્દ્રોની અંદર તથા પરીક્ષા કેન્દ્રોની હદ મર્યાદાથી બહારના ૧૦૦ મીટરની ત્રિજ્યા વિસ્તારમાં દાખલ થવું નહી, પરીક્ષા સ્થળોની આજુબાજુના ૫૦૦ મીટરના વિસ્તારમાં તમામ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવાની રહેશે, કોઇપણ ઇસમ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા-કરાવવામાં સીધી કે આડકતરી મદદગીરી કરવી નહી, પરીક્ષા સંબંધી ચોરી કરાવી શકાય તેવી કોઇ વસ્તુ-ઇલેકટ્રોનિક યંત્ર, પુસ્તક, કાપલીઓ, ઝેરોક્ષ નકલનું વહન કરવું નહિ કે કરાવવામાં મદદગારી કરવી નહિ,
કોઇપણ વ્યક્તિ પેજર, સેલ્યુલર ફોન, મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન, સ્માર્ટ વોચ, વાયરલેસ સેટ, વોકીટોકી સેટ કે કોઇપણ આધુનિક સંદેશાવ્યવહારના સાધનો સાથે લઇ જઇ શકશે નહી અથવા તેનો ઉપયોગ કરી શકશે નહી, પરીક્ષાર્થીઓને શાંતિ અને લેખનકાર્યમાં અડચણ, વિક્ષેપ, ધ્યાનભંગ થાય તેવું કોઇ કૃત્ય કરવું -કરાવવું નહી, સદરહું આદેશ સ્કવોટ અધિકારીઓ, બોર્ડ પ્રતિનિધી અને સરકારી પ્રતિનિધીઓને લાગુ પડશે નહિ.
આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકના દરજ્જાથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તથા કેંદ્ર નિયામક, સ્કવોડ અધિકારીઓ તરીકે નિમણુંક પામેલ અધિકારી, ઇન્વીજીલેટર તથા સરકારી પ્રતિનિધિ સહિતના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ ફરીયાદ માંડવા અધિકૃત કરવામાં આવે છે. આ આદેશનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.