ટ્રક અને વિદેશી દારૂ મળી કુલ રૂ.83 લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત
બનાસકાંઠા એલ.સી.બી.પોલીસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક ટ્રક (નં. RJ-39-GA-6131) માં સાયકલના સ્પેરપાર્ટની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને ધાનેરાથી ડીસા તરફ આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે ઝેરડા-પાંથાવાડા હાઈવે રોડ પર નાકાબંધી કરી હતી.પોલીસે બાતમી મુજબની ટ્રકને રોકીને તપાસ કરતા, ડ્રાઈવર તરીકે જસારામ ચેતનરામ જાટ (ઉં.વ. ૩૦, રહે. સોડીયાર, બાડમેર, રાજસ્થાન) અને ખલાસી તરીકે ખેમારામ લાલારામ જાટ (રહે. સોડીયાર, બાડમેર, રાજસ્થાન) મળી આવ્યા હતા. ટ્રકની તપાસ કરતા સાયકલના સ્પેરપાર્ટની નીચે સંતાડેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રકમાંથી કુલ ૪૦૫ પેટીઓમાંથી ૪૮૬૦ બોટલ દારૂ અને બિયર ઝડપી પાડ્યો હતો, જેની કિંમત રૂ. ૪૩,૬૦,૧૪૦/- આંકવામાં આવી છે.
આ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન (કિંમત રૂ. ૭,૦૦૦/-), આધારકાર્ડ, લાયસન્સ, ટ્રક (કિંમત રૂ. ૧૫,૦૦,૦૦૦/-) અને સાયકલના સ્પેરપાર્ટ (કિંમત રૂ. ૨૬,૬૬,૪૦૨/-) સહિત કુલ રૂ. ૮૫,૩૩,૫૪૨/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આ મામલે ટ્રક ડ્રાઈવર અને ખલાસીની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો મોકલનાર હરીરામ ઉર્ફે હરીશ ઉર્ફે દિનેશ ચેતનરામ જાટ, ધીરસિંહ સુભાષ રેવાડ, સંજયસિંહ લક્ષ્મસિંહ અને શ્રવણકુમાર લીખમારામ સહિતના આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

