જમીનની અંદર 250 ફૂટે પથ્થર આવતો હોવાથી બોરવેલ પણ ફેલ
પાણીના અભાવે ખેડૂતોને ખેતી અને પશુ પાલનનો નિભાવ કરવો મુશ્કેલ; બનાસકાંઠા જિલ્લામા ધાણધાર પ્રદેશ તરીકે ઓળખાતા વડગામ તાલુકામાં પણ અનેક વિસ્તારો સિંચાઇના પાણીની વિકટ સમસ્યા ધેરી બની રહી છે.જેમાં છાપી પંથકના ગામડાંઓમા ભૂગર્ભ જળ દિન પ્રતિદિન ઉંડા જતા રહેતા અને જમીનની અંદર પથ્થર હોવાથી અહી બોરવેલ ફેલ જતા હોવાથી ખેડૂતોને ખેતી કરવી તેમજ પશુ પાલકોને પશુઓનો નિભાવ કરવો પણ મુશ્કેલ બન્યો છે.
સિંચાઇના પાણીની વિકટ પરિસ્થિતિ વેઠતા બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરકાર દ્વારા નર્મદા સહિતની યોજનાઓ થકી સિંચાઇના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ સિંચાઇની યોજનાથી વંચિત અનેક વિસ્તારોની સોનાની લગડી સમાન કિંમતી અને ઉપજાઉ જમીનો બંજર બની જવા પામી છે. જેમાં વડગામ તાલુકાનો છાપી પંથક પાણીદાર વિસ્તાર તરીકે જાણીતો હતો.
પરંતુ પાછલા કેટલાક વર્ષોથી નબળા ચોમાસા અને અપૂરતા વરસાદને લઇ છાપી, ટિંબાચૂડી, મગરવાડા,નળાસર,માલોસણાં,વડગામ સહિતના ગામોમાં ભૂર્ગભ જળ ઉંડા જઇ રહ્યા છે તેમજ જમીનની અંદર 250 ફૂટે પથ્થર આવતો હોવાથી અહી બોરવેલ કામ આવતા નથી. જેને લઇ ખેડૂતોને ખેતી માટે માત્ર ચોમાસા પર નિર્ભર રહેવું પડે છે અને પાણીના અભાવે વિસ્તારના ખેડૂતો છેલ્લા 30 વર્ષથી શિયાળુ કે ઉનાળુ વાવેતર કરી શકતા નથી. જેને લઇ ઉપજાઉ જમીન બંજર સમી બની રહી છે ત્યારે આ વિસ્તારમાં સિંચાઇની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો ખેડૂતો ખેતી થકી તેમજ પશુ પાલકો પશુપાલનના વ્યવસાય થકી આત્મ નિર્ભર બની શકે તેમ છે જેને લઇ સરકાર દ્વારા આ વિસ્તારને પાણીદાર બનાવવા સિંચાઇની યોજના બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
આ વિસ્તાર 30 વર્ષ અગાઉ હરિયાળો હતો; વડગામ તાલુકાના મગરવાડા પંથકમાં 30 વર્ષ અગાઉ પાણીના તળ નેડા હોવાથી લીલોતરી છવાયેલી હતી પંરતુ પાછલા કેટલાક વર્ષોથી નબળા ચોમાસા અને અપૂરતા વરસાદને લઇ ભૂગર્ભ જળ સ્તર દિન પ્રતિદિન ઉંડા જતા તેમજ જમીનની અંદર 250 ફૂટે પથ્થર આવતો હોવાથી અહી બોર ફેલ થઇ રહ્યા છે. જેને લઇ ખેડૂતોને ખેતી માટે માત્ર ચોમાસા પર નિર્ભર રહેવું પડે છે અને પશુઓના નિભાવ માટે પશુ પાલકોને ટેન્કરોનો સહારો લેવાની ફરજ પડી રહી છે.
સિંચાઇની યોજના થકી પાણી આપવાની માંગ; વડગામના માલોસણા પંથકના ખેડૂતોએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં સિંચાઇના પાણીની અછત હતી ત્યાં સરકાર દ્વારા પાઇપ લાઈન તેમજ કેનાલ મારફતે તળાવો ભરવાની યોજનાઓ બનાવી છે. તેમ અમારા વિસ્તારમાં પણ આવી સિંચાઇની યોજના બનાવી પાણી પૂરું પાડવામાં આવે તો ખેડૂતો ખેતી અને પશુ પાલકો પશુનો નિભાવ કરી પરિવારનું ગુજરાન ચલાવી શકે તેમ છે.



