ડીસા જીઆઈડીસીના અનેક યુનિટ રાત્રે સજીવન
હવે ખાદ્ય ચીજવસ્તુઓ છોડો બિયારણનું પણ મોટા પાયે ડુપ્લીકેટિંગ
ફટાકડા ફેક્ટરીને અડીને આવેલ વિસ્તારમાં ગોરખધંધાની રાડ; બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસાની ડી ફોર ડુપ્લીકેટીંગની છબી રાજ્ય લેવલે કલંકિત થઇ ચુકી છે. અહીં લાંબા સમયથી ઘી,તેલ,મરચું, ચા, પનીર,હળદર સાથે હવે તો નકલી બિયારણનું પણ ડુપ્લીકેટિંગ થતું હોવાની ફરિયાદો અનેકવાર ઉઠી છે. જેમાં ખાસ કરીને જીઆઈડીસી વિસ્તારમાં અનેક યુનિટ એવા છે. કે જે રાત્રી દરમિયાન ધમધમે છે છતાં પણ જેની જવાબદારી છે. તે તંત્ર જાણે આ તમામ બાબતોથી આજે પણ અજાણ છે. પરિણામે ફટાકડા કાંડ જેવી અણધારી આફત ફરી ઘટી શકે તેમ છે.
તાજેતરમાં તંત્રની ઘોર બેદરકારીના કારણે સર્જાયેલ ફટાકડા કાંડમાં 21 નિર્દોષ લોકો મોતની બલી ચડી ગયા. આવી અક્ષમ્ય ઘટના બાદ તંત્રે તપાસ શરૂ કરી છે. જે તપાસ મહિનાઓ સુધી ચાલશે પરંતુ જે અકાળે નિર્દોષ લોકો મોતના મુખમાં ધકેલાયા તેમના પરિવારનું શું? તેમની વેદના અને વલોપાત વર્ણવવો અશક્ય છે. પણ મોટા ભાગની માનવ સર્જીત દુર્ઘટનાઓ બન્યા પછી તંત્ર જાગે છે. અને તપાસના નાટકો કરે છે પરંતુ આવી દુર્ઘટનાઓ ના બને તે માટે તંત્ર દ્વારા અગમચેતીના ભાગે રૂપે કોઈ જ નક્કર તપાસ કરવામાં આવતી નથી. તે હકીકત છે. તાજેતરમાં જ્યાં દુઃખદ દુર્ઘટના બની છે. તેને અડીને આવેલ જીઆઈડીસી વિસ્તારમાં પણ તટસ્થ તપાસ જરૂરી છે.
કારણ આ જીઆઈડીસી વિસ્તારમાં અનેક યુનિટ એવા છે જે યુનિટની બહાર કોઈ બેનર કે બોર્ડ નથી.બહારથી દિવસે બન્ધ લાગતા આ યુનિટો રાત્રે ધમધમી ઉઠે છે. અને સવાર પડતા બંધ થઇ જાય છે. રાત્રી દરમિયાન આ બેનામી યુનિટમાં મોટા પ્રમાણ ભેળસેળ યુક્ત અને ડુપ્લિકેટ ચીજ વસ્તુઓ બને છે અને લકઝરી બસો સહિતના વાહનો મારફત રાજ્યભરમાં સપ્લાય થાય છે. ડુપ્લીકેટિંગ કરતા આ યુનિટોમાં અનેક પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. બાળકો પણ તેમાં સામેલ છે અને આ મજૂરોમાં કેટલાક ક્રિમિનલ હિસ્ટ્રી પણ ધરાવે છે પરંતુ આ મજૂરો કોણ છે. ક્યાંથી આવ્યા છે? તે બાબતથી ખુદ પોલીસ અજાણ છે. કારણ જન આરોગ્ય જોખમાવતા આ યુનિટ માલિકો સરકારના જાહેરનામાનો પણ ભંગ કરી રહ્યા છે. સરકારના જાહેરનામાં અનુસાર જીઆઈડીસી કે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતા મજૂરોની યાદી પોલીસ મથકે આપવી ફરજીયાત છે. તેમ છતાં જાહેરનામાનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. આવા યુનિટોની સચોટ તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. પણ મેલી મથરાવટી ધરાવતા જિલ્લા ફૂડ વિભાગ અને પોલીસની તપાસ શંકાના દાયરામાં આવી જાય છે. તેથી ‘વાડ જ ચીભડા ગળે’ તેવો ઘાટ ઘડાયો છે. ત્યારે જિલ્લા કલેકટર આ બાબતે નક્કર કાર્યવાહી હાથ ધરાવે તેવો જનમત પ્રવર્તે છે.
નાના યુનિટ માલિકો ઉપર પોલીસનો રોફ; ડીસામાં ફટાકડા બ્લાસ્ટ કાંડમાં 21 લોકોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યુ છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે પોલીસે હવે તપાસના નામે નાના યુનિટ માલિકો કે જેઓ માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે તેમના ઉપર રોફ જમાવી રહ્યા હોવાની બૂમો પણ ઉઠવા પામી છે.તેથી વિકટ સ્થિતિ અને કાળઝાળ મોંઘવારીમાં જેમ તેમ કરીને યુનિટ ચલાવતા માલિકો ‘પાડાના વાંકે પખાલીને ડામ’ નો ભોગ બની રહ્યા છે.