મહેસાણાના કડી ખાતેથી લાખોનું ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો ઝડપાયો

મહેસાણાના કડી ખાતેથી લાખોનું ભેળસેળયુક્ત પનીર અને કપાસીયા તેલનો જથ્થો ઝડપાયો

મહેસાણા જિલ્લો હવે બેનંબરીના વ્યવસાય માટે આખા રાજ્યમાં પ્રચલિત બની ગયો છે, જ્યાં છાશવારે ખાદ્ય પદાર્થોમા ભેળસેળ કરતા હોવાના કિસ્સાઓ બનતા જોવા મળી રહ્યા છે. મહેસાણા જિલ્લાના કડી ખાતેથી એક પેઢી ધરતી ઈંડસ્ટ્રીઝ માંથી શંકાસ્પદ કપાસીયા તેલ નો જથ્થો પકડાયો છે જ્યારે બીજી બાજુ મોટાપાયે અખાદ્ય પનીરનો જથ્થો પકડાતા જિલ્લાભરના ભેળસેળ કરનારાઓમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયેલો જોવા મળી રહ્યો છે. બે અલગ-અલગ સ્થળેથી પનીર અને કપાસીયા તેલ નો આશરે કુલ ૨૩૦૦ કિ.ગ્રા. અને ૧૬૦૦ કિ.ગ્રા કે જેની અંદાજીત કિંમત આશરે ૫.૫ લાખ તથા ૨.૩૦ લાખ થાય છે તે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મહેસાણા દ્વારા કડી તાલુકાના નરસિંહપુરા ખાતે તા: ૦૪-૦૩-૨૦૨૫ નાં રોજ કરેલ રેડમાં ઉત્પાદક મેસર્સ કેશવી ફુડ પ્રોડક્ટસ પેઢીમાં તપાસ દરમિયાન ફુડ પરવાનો મેળવ્યા વગર એડીબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરતા હોવાનુ સ્થળ પર જણાઈ આવેલ. ઉપરોક્ત પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમુનો લેવામાં આવેલ અને પનીરનો બાકીનો ૨૩૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૫.૫ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિતમાં જપ્ત કરવામાં આવેલ છે. ઉક્ત પનીરનો શંકાસ્પદ જથ્થો ઝમઝમ રેસ્ટોરન્ટ, વિરમગામ,હોટલ સહયોગ, વિરમગામ, ⁠મુસાફિર રેસ્ટોરન્ટ, કલોલ, ⁠આઈ ખોડલ ઢાબા, છત્રાલ, હોટલ અમીરસ, છત્રાલ અને ⁠હોટલ સત્કાર, છત્રાલ જેવી અમદાવાદ આસપાસની હોટેલો માં આશરે રુ. ૨૪૦ પ્રતિ કિલોગ્રામના દરે વેચાતો હતો.

કડી તાલુકામાં અન્ય એક પેઢી મેસર્સ ધરતી ઈંડસ્ટ્રીઝ ખાતે તેલ માં ભેળસેળની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે તપાસ દરમિયાન સ્થળ પર કપાસીયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસીયા તેલનો નમુનો લઈ ૧૬૦૦ કિ.ગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત રૂ. ૨.૩૦ લાખ થાય છે જે વિશાળ જન-આરોગ્યના હિત માં જપ્ત કરવામાં આવેલ છે. આમ આવા ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ બિન-આરોગ્યપ્રદ હોઈ તેમન એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પાડવામાં આવેલ દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ગુનાહીત પ્રવૃતિમાં સંડોવાયેલા ભેળસેળિયા તથા ડુપ્લીકેટ ઇસમોમાં ફફડાટ ફેલાઇ ગયેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *