ફેક્ટરી નજીક ઓટો સર્વિસ સ્ટેશનમાં રહેલા વાહનો બળીને ખાખ; ઊંઝા હાઈવે પર આવેલ વુડન ફેક્ટરીમાં વહેલી સવારે કોઈ કારણસર આગ લાગતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફેક્ટરી નજીક ઓટો સર્વિસ સ્ટેશનમાં રહેલા વાહનો બળીને ખાખ થઇ ગયા હતા બાદ લાટી સળગી હતી. ઊંઝા પાટણ મહેસાણા સહિત છ જેટલા ફાયર ફાઇટરોની મદદથી 6 કલાક જહેમત બાદ આગને કાબુમા લેવાઈ હતી.
ઊંઝા શહેરમાં હાઇવે રોડ પર આવેલ ભગવતી વુડન વર્કસ નામની ફેક્ટરીમાં વહેલી પરોઢે કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને લઈને ઊંઝા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને આગને કાબુમા લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ જોઈ મેજર કોલ જાહેર કર્યો હતો. જેને લઈ મહેસાણા ઓએનજીસી, મહેસાણા મહાનગર પાલિકા, પાટણ, પાલનપુર વિસનગર સહિત ફાયર ફાયટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને આગને કાબૂમાં લેવા પ્રયત્નો શરૂ કર્યા હતા. જેમાં દિવસભર 6 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આ આગને કારણે વુડન ફેક્ટરીમાં રહેલ સામાન, શોરૂમમાં રહેલ ચાર રીક્ષા અને છ જેટલા બાઈકો ખાખ થઈ જવા પામ્યા હતા. તેમજ નજીકમાં આવેલ અંબિકા લાટીમાં રહેલ કરોડની કિંમતનું ઇમારતી લાકડું બળી જતા નુકસાન થયું હતું. જોકે કોઈ જાનહાની થઈ ન હતી. આગની ઘટનાને લઈ લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. તેમજ આજુબાજુની દુકાનો વાળા પણ પોતાની દુકાનનો માલ સામાન અન્ય સ્થળે મુકવા દોડધામ મચાવી હતી.