ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરાતો હોવાનું બહાર આવ્યું;ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં થયેલી દુર્ઘટનામાં 21 લોકોના મોત બાદ ગુજરાત સરકારે રાજ્યભરમાં ફટાકડાના વેપારીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણા એસઓજીની ટીમે કડી નંદાસણ રોડ પર આવેલા રણછોડરાય એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો. વેલકમ હોટલની બાજુમાં આવેલા ગોડાઉનમાં તપાસ દરમિયાન કરણનગર રોડ નિવાસી ભરતકુમાર દોલતરામ રંગવાણી દ્વારા ગેરકાયદેસર રીતે ફટાકડાનો વેપાર કરાતો હોવાનું બહાર આવ્યું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે, વેપારી પાસે ફટાકડાના વેચાણ માટે જરૂરી પરવાનો જ નથી. વધુમાં, ગોડાઉનમાં ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા પણ નહોતી. પોતાના અને અન્ય લોકોના જીવને જોખમમાં મૂકીને ગેરકાયદે વેપાર કરવા બદલ ભરતભાઈ રંગવાણી સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. એસઓજી ટીમે ગોડાઉનમાંથી ₹63,500ની કિંમતનો ફટાકડાનો જથ્થો જપ્ત કર્યો છે. પીએસઆઈ તેમની ટીમે ગોડાઉનને સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.