રીક્ષામાં શાળામાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ
ડીસા -ભોયણ હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની વણઝાર સર્જાઈ છે. જેને લઇને ભોયણ પાટીયા પાસે સર્કલ બનાવાની માંગ ઉઠવા પામી રહી છે. ત્યારે સવારે શાળાના વિદ્યાર્થીઓએ લઈ જતી રીક્ષા અને વેગાનેર કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સદનસીબે મોટી જાનહાનિ ટળી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જ્યારે અકસ્માતમાં રીક્ષા અને વેગાનેર કારને મોટું નુક્સાન થવા પામ્યું હતું. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વારંવાર ભોયણ હાઈવે પર સર્જાતા અકસ્માતોને લઈને વાહન ચાલકોમાં પણ હવે ભયનો માહોલ ઉભો થઇ રહ્યો છે અગાઉ અનેક અકસ્માત સર્જાતા નિદોર્ષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે ડીસા- પાલનપુર હાઈવે પર ભોયણ પાટીયા નજીક સર્કલ બનાવવામાં આવે તેવી ઉગ્ર લોક માંગ ઉઠવા પામી છે.