ડીસાના જુનાડીસામાં રાત્રે હથિયારધારી ચોરોની દહેશત : સિદ્ધઅંબિકા મંદિર પાસે ચોરી સીસીટીવી કેમેરામાં કેદ

ડીસાના જુનાડીસામાં રાત્રે હથિયારધારી ચોરોની દહેશત :  સિદ્ધઅંબિકા મંદિર પાસે ચોરી સીસીટીવી કેમેરામાં કેદ

બનાસકાંઠાના ડીસા અને જુનાડીસાના રહેવાસીઓ માટે ચેતવણીરૂપ સમાચાર સામે આવ્યા છે. જુનાડીસા વિસ્તારમાં રાત્રિના સમયે હથિયારધારી ચોરોની ટોળકી ફરી રહી હોવાની ઘટના સામે આવી છે. સિદ્ધઅંબિકા મંદિર પાસે ગઈ રાત્રે ચોરીની ઘટના બની હતી, જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સતત વધી રહેલી ચોરીની ઘટનાઓથી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે.

બનાસકાંઠા ડીસાના જુનાડીસાના ખાડીયાવાસ વિસ્તારમાં આવેલી સિદ્ધઅંબિકા મંદિર નજીક ગઈ રાત્રે ચોરીની ઘટના બની હતી. રાત્રે 12 વાગ્યાથી 3 વાગ્યાની વચ્ચે બનેલી આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે. ફૂટેજમાં હથિયાર સાથે આવેલા ચોરોની ટોળકી નજરે પડે છે, જે ઘરો અને આસપાસના વિસ્તારોમાં રેકી કરતા જોવા મળે છે. ચોંકાવનારી વાત એ છે કે જુના ડીસામાં અગાઉ પણ પાંચ જેટલી ચોરીની ઘટનાઓ બની ચૂકી છે અને હવે વધુ એક ચોરીના બનાવથી ગ્રામજનોમાં ભારે ભય ફેલાયો છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે પોલીસનું પેટ્રોલિંગ નબળું પડ્યું છે, જેના કારણે ચોરોને મોકળું મેદાન મળી રહ્યું છે. લોકો દ્વારા વહેલી તકે પોલીસ દ્વારા કડક કાર્યવાહી અને નાઈટ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે.લગાતાર બની રહેલી ચોરીની ઘટનાઓને પગલે જુના ડીસાના રહેવાસીઓ હવે એલર્ટ બન્યા છે. લોકો પોતાનું અને પરિવારનું રક્ષણ કરવા સાવચેતી રાખી રહ્યા છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે ત્યારે હાલ તો સ્થાનિક પોલીસ ઘટનાની ગંભીરતા સમજી નાઈટ પેટ્રોલીંગ વધુ સઘન કરે તો બનતા બનાવો અટકે તેવી શક્યતા સેવાઈ રહી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *