સાબરકાંઠા જિલ્લામાં બુધવારે રૂ. 1.27 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 36,800 બોટલોનો આ જથ્થો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિરપુર ગામની સીમમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો હતો.
આ દારૂ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ, હિંમતનગર એ-ડિવિઝન, બી-ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા ચાર મહિના દરમિયાન પાસ-પરમિટ વિના પકડવામાં આવ્યો હતો. પોલીસે કુલ 103 ગુના નોંધી આ મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
હિંમતનગર ડિવિઝનના DYSP એ.કે. પટેલે જણાવ્યું હતું કે, જપ્ત કરાયેલા દારૂની ગણતરી કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે તેને વિરપુરની સીમમાં લાવવામાં આવ્યો હતો. ત્યાં રોલર ફેરવીને તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, હિંમતનગર મામલતદાર રોનકસિંહ પઢેરિયા, નશાબંધી અધિકારી એચ.વી. પટેલ, એ-ડિવિઝન PI પી.એમ. ચૌધરી, બી-ડિવિઝન PI એ.એમ. ચૌધરી, હિંમતનગર ગ્રામ્ય PI એચ.આર. હેરભા અને ગાંભોઈ PI એ.જે. ગોસ્વામી સહિતના અધિકારીઓ અને પોલીસ જવાનો હાજર રહ્યા હતા.


