સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાંથી રિક્ષાના ટાયર ચોરતા બે શખ્સોને સિક્યોરિટી જવાનોએ ઝડપી પાડ્યા હતા. આ બંનેને સિવિલની પોલીસ ચોકીને સોંપવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોની અવરજવરને કારણે પાર્કિંગમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર અને રિક્ષાઓ મોટી સંખ્યામાં પાર્ક થયેલી હોય છે. આ પાર્કિંગમાં બે શખ્સો એક રિક્ષાની આસપાસની અન્ય બે રિક્ષાઓમાંથી એક પછી એક ટાયર કાઢીને પોતાની રિક્ષામાં મૂકી રહ્યા હતા.
સિક્યોરિટી જવાનોએ આ ચોરી કરતા શખ્સોને રંગેહાથ પકડી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન, તેઓએ રિક્ષામાંથી ટાયર ચોર્યા હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ બંનેને પકડીને સિવિલ પોલીસ ચોકીમાં સોંપવામાં આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

