હિંમતનગરમાં ભાગ્યોદય અંડર બ્રિજથી પેટ્રોલપંપ તરફ આવતાં પેટ્રોલપંપ આસપાસનો રોડ બિસમાર બની ગયો છે. આ રોડ ઉપર ખાડા પડી ગયા છે તથા રોડ ઉપરનો ડામર નીકળી જવાના કારણે બાઇક સ્લીપ થવાના બનાવો પણ બની રહ્યા છે.જો કે, સદનસીબે હજી સુધી કોઇ જાનહાની થઇ નથી. તંત્ર દ્વારા વરસાદ બાદ શહેરના વિવિધ માર્ગોની મરામત કરાઇ રહી છે. પરંતુ નમસ્તે સર્કલ આસપાસના રોડનું સમારકામ હજુ સુધી કરાયું નથી.
અહીંથી પસાર થતાં વાહન ચાલકે જણાવ્યું હતું કે, આ રોડની મરામત ન કરવાથી અહીંથી પસાર થતી વખતે સાવધાની રાખવી પડે છે તેમ છતાં કયારેક બાઇક ડગવા લાગતાં બીક લાગે છે, અહીંથી પસાર થતાં લોકોની માંગણી છે કે, શહેરના અન્ય રસ્તાઓની જેમ આ રોડની પણ મરામત કરીને તેને યોગ્ય કરવામાં આવે. હિંમતનગર પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન ડીકુલ ગાંધીએ જણાવ્યું હતું કે, હિંમતનગર શહેરમાં આવેલા તમામ રોડ રસ્તાનું સમારકામ તથા નવીનીકરણ હાથ ધરાયું છે. નમસ્તે સર્કલ પાસે આવેલા રોડનું પણ ટૂંક સમયમાં સમારકામ કરાશે.

