મશીનની ખામીઓ દૂર ન થાય ત્યાં સુધી બલ્ક ફર્ટીલાઇઝર (ખાતર) નું વેચાણ બંધ રાખવાનો નિર્ણય
રાજ્ય સરકાર દ્વારા રાસાયણિક ખાતરના વેચાણમાં અસ્પષ્ટ નીતિના કારણે વેપારીઓમાં ભારે નારાજગી છવાઈ છે. જેથી બનાસકાંઠા એગ્રો ઇનપુટ્સ મર્ચન્ટ એસોસિયેશનના નેજા હેઠળ બેઠક યોજી સરકારની અસ્પષ્ટ નીતિ સામે વિરોધ નોંધાવી વેપારીઓએ બલ્ક ખાતરના વેચાણનો વિરોધ કર્યો છે.
ડીસામાં બનાસકાંઠા એગ્રો એસોસિયેશનની મળેલી બેઠકમાં જિલ્લા એસોસિયેશનના પ્રમુખ યશવંત પટેલ, હોદ્દેદારો સહિત જિલ્લામાં એગ્રોની દુકાન ધરાવતા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં POS મશીનની સતત ખામીઓ, ખેતીવાડી વિભાગના ખોટા ચેકિંગો અને સરકારની અસ્પષ્ટ નીતિઓને લઈને વિરોધ નોંધાવાયો હતો. તેમજ આજની બેઠકમાં માત્ર નેનો યુરિયા અને નેનો ડીએપીનું જ વેચાણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સાથે સરકાર દ્વારા POS મશીનની ખામીઓ દૂર કરી સ્પષ્ટ માર્ગદર્શન આપે ત્યારબાદ જ તમામ ખાતરનું વેચાણ શરૂ કરવું.વધુમાં જે કંપનીઓ દ્વારા ખાતરની સાથે ટેગિંગ ભવિષ્યમાં પણ આપવાનું બંધ કરવાની બાયધરી આપે.તો જ વેચવું તેવો સામુહિક નિર્ણય લેવાયો હતો.એગ્રો ધરાવતા વેપારીઓએ સરકાર પાસે POS મશીનમાં સ્પષ્ટ માંગણી કરી હતી કે માત્ર ખેડૂતનું જ આધાર કાર્ડ સ્વીકાર્ય થાય, તેની ફાળવણી પાકના આધારે નક્કી થાય, અને ફાળવણી પૂરી થતા મશીન આપમેળે લોક થઈ જાય. આ સિસ્ટમ અપડેટ થાય તો જ ખાતર વેચાણની વ્યવસ્થા સરળ અને પારદર્શક બની શકે તેમ છે. જે નિર્ણય બનાસકાંઠા જિલ્લાના તમામ વ્યાપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. બેઠકમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી એગ્રોના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

