વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનો આક્રમક રૂખ; પાલનપુર ખાતે કોંગ્રેસે યોજ્યા ધરણાં પ્રદર્શન

વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનો આક્રમક રૂખ; પાલનપુર ખાતે કોંગ્રેસે યોજ્યા ધરણાં પ્રદર્શન

કોંગ્રેસી કાર્યકરોએ ચક્કાજામ કરતા થયો ટ્રાફિક જામ

પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે તીખી નોક્ઝોક વચ્ચે 100 જેટલા કાર્યકરોની અટકાયત

પાલનપુરમાં પણ “વોટ ચોર- ગાદી છોડે” ના નારા ગુંજી ઉઠ્યા; કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીએ સરકાર સામે વોટ ચોરીઅભિયાન છેડયું છે. ત્યારે આજે પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં યોજવામાં આવ્યા હતા. જેમાં આક્રમક બનેલા કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પોલીસે કોંગ્રેસના 100 જેટલા કાર્યકરોને ડિટેઇન કરતા મામલો ગરમાયો હતો.

ભાજપ સરકાર વોટ ચોરી કરીને સત્તા સ્થાને બિરાજી હોવાના આક્ષેપો વિપક્ષના નેતા રાહુલ ગાંધી કરી રહ્યા છે. જેને લઈને દેશભરમાં કોંગ્રેસ વિરોધ જતાવી રહી છે. ત્યારે પાલનપુર ખાતે પણ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના ગુરુનાનક ચોક ખાતે ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. જેમાં આક્રમક બનેલા કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રોડ પર આવી ગયા હતા. જેઓએ ચક્કાજામ કરતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. ત્યારે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી. દરમિયાન, પોલીસે કોંગ્રેસ ના બે ધારાસભ્યો કાંતિ ખરાડી અને અમૃતજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત 100 જેટલા કાર્યકરોને ડિટેઇન કર્યા હતા.પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરતા કોંગ્રેસે તેને લોકશાહીનું હનન ગણાવ્યું હતું. કોંગ્રેસે વોટ ચોરીને લોકતંત્ર માટે ખતરારૂપ ગણાવી ગામેગામ આ મુદ્દો લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, વિવિધ સેલના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રાફિક જામ: શહેરીજનો ત્રાહિમામ, કોંગ્રેસે વોટ ચોરીને લઈને વિરોધ જતાવતા ધરણાં પ્રદર્શન યોજ્યા હતા. દરમિયાન, આક્રમક બનેલા કોંગ્રેસી કાર્યકરોએ ટ્રાફિકથી ધમધમતા ગુરુનાનક ચોક ખાતે એસ.ટી.બસો પર ચડી જઇને અન્ય વાહનો સામે ઊભા રહી જઈ રસ્તા રોકી ચક્કાજામ કરતા શહેરના રેલવે ઓવર બ્રિજથી કોઝી સુધી ટ્રાફિક જામ થઈ જતા વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે, પોલીસે ચક્કાજામ કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોને ડિટેઇન કર્યા બાદ ટ્રાફિક પૂર્વવત થતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

વોટ ચોરીનો મુદ્દો જન જન સુધી પહોંચાડવાની નેમ; વોટ ચોરી કરી સત્તા પ્રાપ્તિ કરનાર ભાજપ સરકાર સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન યોજયું હતું. ત્યારે ચક્કાજામ કરી રહેલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે પોલીસને આગળ કરી ભાજપ સરકાર લોકશાહીનું હનન કરી રહી હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે વોટ ચોરીનો મુદ્દો ગામે ગામ જઈ જન જન સુધી પહોંચાડવાની નેમ વ્યક્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *