બનાસકાંઠા જિલ્લામાં ઓનરકિલિંગનો બનાવ; લિવઈનમાં રહેતી પુત્રીને પિતાએ દૂધમાં ઊંઘની ગોળીઓ આપી મારી નાખી

બનાસકાંઠા જિલ્લામાં ઓનરકિલિંગનો બનાવ; લિવઈનમાં રહેતી પુત્રીને પિતાએ દૂધમાં ઊંઘની ગોળીઓ આપી મારી નાખી

બનાસકાંઠા જિલ્લાના થરાદમાં પુત્રીના પ્રેમ સંબંધથી નારાજ પિતાએ જ તેના ભાઇ સાથે મળીને પુત્રીની હત્યા કરી નાખી છે. અને દીકરીની હત્યા કર્યા બાદ રાતોરાત અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા. જેની યુવતીના પ્રેમીએ પોલીસ ફરિયાદ નોંધવાતા પોલીસે બંને સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

થરાદ તાલુકાના દાંતિયા ગામના સેંધાભાઈ દરઘાભાઇ ચૌધરીની પુત્રી પાલનપુર ખાતેની એક હોસ્ટેલમાં રહીને નીટની પરીક્ષાની તૈયારીઓ કરતી હતી. આ દરમિયાન તે થરાદ તાલુકાના વડગામડાના હરેશ હિરજીભાઇ ચૌધરી નામના યુવકના સંપર્કમાં આવી હતી. બંને વચ્ચે મિત્રતા બાદ પ્રેમ સંબંધ બંધાયો હતો અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

આ દરમિયાન તારીખ 04/05/20025ના રોજ તેણી પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી પાલનપુરથી દાંતિયા ખાતે આવી હતી. લગ્નપ્રસંગ બાદ તેણે ફરીથી પાલનપુર જવાનું કહેતા પરિવારે ભણવાની ચોખ્ખી ના પાડી હતી. જેથી તેણે આ વાત તેના પ્રેમી હરેશને જણાવી હતી અને કહ્યું હતું કે, મારા પરિવારના લોકો મને ભણવાની ના પાડે છે અને આપણા પ્રેમ સંબંધની વાતની જો પરિવારજનોને ખ્યાલ આવશે તો બળજબરીથી મારા લગ્ન કરાવી દેશે અને મારો મોબાઇલ પણ જપ્ત કરી લેશે, જેથી તું મને અહીથી લઇ જા. જેથી તારીખ 04/06/2025ના રોજ હરેશ તેની પ્રેમિકાને લઇને અમદાવાદ ખાતે ગયો હતો અને ત્યાં બંનેએ રાજીખુશીથી મૈત્રી કરાર કર્યા હતા.

બીજી તરફ યુવતીના પરિવારજનોએ તેના ગુમ થયાની અરજી થરાદ પોલીસ મથકમાં આપી હતી. જેથી થરાદ પોલીસ તારીખ 12/06/2025ના રોજ બંનેને રાજસ્થાનના ભાલેસરથી લઇને થરાદ આવી હતી અને યુવતીને તેના પરિવારને સોંપી હતી. જ્યારે હરેશની તેના અગાઉ નોંધાયેલા મારામારી અને પ્રોહિબિશનના ગુનામાં ધકપકડ કરી હતી.તા.21/06/2025ના રોજ જામીન મંજૂર થતાં હરેશ જેલ બહાર આવ્યો હતો. બહાર આવતાની સાથે હરેશે તેના મોબાઇલમાં પોતાનું ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. લોગઇન કરતાં તેમાં તેની પ્રેમિકાના અનેક કોલ્સ અને મેસેજ હતા. જેમાં લખ્યું હતું કે પોલીસે મારી સાથે દગો કર્યો છે. તું આવીને મને લઇ જા નહીં તો મારો પરિવાર મારા બળજબરીથી લગ્ન કરાવી દેશે, જો હુ લગ્નની વાત નહીં માનું તો મારા પરિવારવાળા મને મારી નાંખશે.જેથી

હરેશે વકીલની સલાહ લઇને તારીખ 23/06/2025 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે ચંદ્રિકાને તારીખ 27/06/2025ના રોજ કોર્ટમાં હાજર કરવા થરાદ પોલીસને જાણ કરી હતી. જોકે, ચંદ્રિકા હાઇકોર્ટમાં હાજર થાય એ પહેલાં જ તારીખ 24/6/2025ની રાત્રે ચંદ્રિકાના પિતા સેંધાભાઇ ચૌધરી અને તેના કાકા શિવરામ ચૌધરીએ તેને દૂધમાં ઊંઘની ગોળીઓ પીવડાવી બેભાન કરીને ગળેટૂપો આપી રાતોરાત અંતિમ સંસ્કારા કરી નાંખ્યાં હતા.

હરેશે શંકા જતાં આ બાબતે તપાસ કરવા માટે બનાસકાંઠા એસ.પી.થી લઇને રાજ્યના ડીજીપી અને ગૃહ મંત્રાલય સુધી નિષ્પક્ષ તપાસ કરવા માટે અરજી કરી હતી. જેથી પહેલાં થરાદ ડીવાયએસપી અને બાદમાં દાંતા ડિવિઝનના ડિવાયએસપીએ તપાસ કરતાં યુવતીનું મોત કુદરતી કે આત્મહત્યા નહીં પણ તેના પિતા અને સગા કાકાએ જ તેની હત્યા કરી હોવાનું સામે આવતા હરેશની ફરિયાદ લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *