નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા; હવામાન વિભાગની આગાહી મુજબ, બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં લાખણી તાલુકામાં પણ મોડીરાત્રે ફરી એક વાર મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. લાખણી પંથકમાં રાત્રે પડેલા ભારે વરસાદના કારણે ઉભા પાક વાળા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાવાથી પાક નિષ્ફળ જવાની ભીતી ખેડૂતોને સેવાઈ રહી છે. જ્યારે લાખણી પંથકમાં ભૂગર્ભ જળની સમસ્યા વિકટ છે તેથી ઉનાળુ સિઝન નિષ્ફળ જતા મુખ્યત્વે આકાશી ખેતી ઉપર નિર્ભર ખેડૂતોએ ઉછીના પાછીના કરી માંડ ચોમાસુ વાવેતર કર્યું હતું. પણ ભારે વરસાદથી ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતા વાવેતર સડી ગયું છે.
બીજી બાજુ, લાખણીની મુખ્ય બજાર સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વેપારીઓ સહિત આમ પ્રજાને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જ્યારે હાઇવે રોડ ઉપર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા.જો કે ફરી ભારે વરસાદથી પરેશાની વચ્ચે પૂરતા પ્રમાણમાં વરસાદ વરસવાથી ભૂગર્ભ જળ રિચાર્જ થવાની આશા બંધાઈ છે.

