ભારત માલા પ્રોજેક્ટમાં જમીનના ઓછા ભાવ મુદ્દે જિલ્લાના ચાર તાલુકાના ખેડૂતોમાં આક્રોશ

ભારત માલા પ્રોજેક્ટમાં જમીનના ઓછા ભાવ મુદ્દે જિલ્લાના ચાર તાલુકાના ખેડૂતોમાં આક્રોશ

ડીસામાં જિલ્લાના ખેડૂતોનું સરકાર સામે વિરોધ પ્રદર્શન

ફળદ્રુપ જમીનનો મીટર દીઠ માત્ર 21 રૂ. ભાવ,એટલામાં છાશની થેલી પણ ના આવે : ખેડૂતો

ભારત માલા પ્રોજેક્ટ હેઠળ જમીન સંપાદનના મુદ્દે ઓછા ભાવ મળતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આજે લાખણી, ભાભર, દિયોદર અને કાંકરેજ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ડીસા નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

ખેડૂત આગેવાનોએ નાયબ કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવીને સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે ભારત માલા પ્રોજેક્ટમાં સંપાદન થયેલી જમીનનો ભાવ તેમને માત્ર 21 રૂપિયા પ્રતિ મીટર મળી રહ્યો છે, જે અત્યંત ઓછો છે. આ અંગે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આજના મોંઘવારીના સમયમાં 21 રૂપિયામાં છાસની એક થેલી પણ નથી આવતી, ત્યારે સરકાર અમારી ફળદ્રુપ જમીનનો ભાવ માત્ર 21 રૂપિયા પ્રતિ મીટર આપી રહી છે.” ખેડૂતોએ માગણી કરી છે કે તેમને તેમની જમીનનો યોગ્ય અને વ્યાજબી ભાવ ચૂકવવામાં આવે. જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને અન્યાય; ભારત માલા પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના થરાદથી અમદાવાદ સુધીનો 213 કી.મી.નો હાઇવે રોડ બનનાર છે. જેમાં બનાસકાંઠા સાથે પાટણ, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની જમીન કપાઇ છે. આ રોડ બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકામાંથી પસાર થાય છે પરંતુ અન્ય જિલ્લાના ખેડૂતોને બજાર ભાવ પ્રમાણે વળતર ચૂકવાય છે. જ્યારે એક માત્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને જૂની જંત્રી મુજબ વળતર ચૂકવાય છે. તેવો આક્ષેપ કરી ખેડૂતોએ આ હળાહળ અન્યાય મુદ્દે છેક સુધી લડી લેવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *