સાબરકાંઠા; વેપારી પાસે લાખોની ઠગાઈ બે ગઠિયાઓને પોલીસે દબોચી લીધા

સાબરકાંઠા; વેપારી પાસે લાખોની ઠગાઈ બે ગઠિયાઓને પોલીસે દબોચી લીધા

વડાલીમાં ચોળાફળીની લારી ચલાવતા એક પરપ્રાંતિય વેપારીને ખજાનો મળ્યો છે કહીને લાખો રૂપિયાની ઠગાઈ કરનારા બે ગઠિયાઓને વડાલી પોલીસે દબોચી લીધા છે. એક મહિના પહેલા નોંધાયેલી આ છેતરપિંડીની ઘટનામાં પોલીસે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાંથી બે આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે.

રામદેવ નામના વેપારીને ત્રણ અજાણ્યા ઠગોએ નિશાન બનાવ્યો હતો. આ ઠગબાજોએ રામદેવને જમીનમાં ખોદકામ વખતે ખજાનો મળ્યો હોવાની કપોળકલ્પિત વાત કહીને વિશ્વાસમાં લીધો હતો. ભોળા વેપારીને પોતાની જાળમાં ફસાવવા માટે, આ ઠગોએ પહેલા તેને અસલી સોનાની કંઠી આપીને વિશ્વાસ કેળવ્યો. ત્યારબાદ ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર પાસે બોલાવી, રામદેવને નકલી સોનાની કંઠી પધરાવી અને તેની પાસેથી રૂ. 1.35 લાખ રોકડા લઈને પલાયન થઈ ગયા હતા.

આ મામલે રામદેવે વડાલી પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વડાલી પીઆઈ પીપી વાઘેલા અને તેમની ટીમે આ ગંભીર ગુનાની સઘન તપાસ હાથ ધરી હતી. એક મહિનાની મહેનત બાદ, પોલીસે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સર્વોદય નગર ડુંગળી ખાતેથી બે આરોપીઓ, મંગલપુંજાભાઈ સલાટ અને જીતેન્દ્ર મોહનભાઈ સલાટને ઝડપી પાડ્યા હતા. બંને આરોપીઓને વડાલી કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમને હિંમતનગર સબજેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *