દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના ૨૯ કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યોનું પુનર્વસન કરાયું હતું. આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુંના કારણે મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા હૃદય પર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના ૩૦૦ જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો.

મંત્રીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલને બિરદાવી હતી. તેમણે દરેક મુશ્કેલીમાં લોકોની સેવામાં સતત ખડેપગે રહેલ તથા સેવાનું બીજું નામ એટલે કે પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે રેન્જ આઈ.જી. ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ટીમ દ્વારા ૧૨ વર્ષના વેરને સમાધાન કરાવીને સામજિક વ્યવસ્થા માટે કરાયેલ કામગીરીને વધાવીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, આદિવાસી બાંધવો માટે હવે અહીં સરકાર તથા સામાજિક સંસ્થાઓના સહયોગથી આવાસ બનાવાશે તથા તમામ જીવન જરૂરિયાત સુવિધાઓ ઉભી કરાશે જેથી કરીને આ સમાજના લોકો ખેતી સાથે પોતાની માનભેર જિંદગી વિતાવશે.

ઉલ્લેખનીય છે કે, આદિવાસી સમાજનો એક કુરિવાજ ચડોતરું એટલે કે વેર લેવાની પરંપરા. આ ચડોતરું કુરિવાજને કારણે દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામમાંથી ૧૨ વર્ષ પહેલા સ્થળાંતર કરીને કોદરવી સમુદાયના ૨૯ પરિવારોના ૩૦૦ જેટલા સભ્યો પાલનપુર તથા સુરત ચાલ્યા ગયા હતા. મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા પોલીસે આ સમુદાયની વિગતો મેળવીને તેમનો સંપર્ક કર્યો. ગ્રામ પંચાયતના આગેવાનો તથા બંને સમુદાયના આગેવાનો સાથે બેઠકો કરી આ પરિવારોના પુનર્વસન બાદ ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકો કરાઈ હતી.

આ પરિવારોની આ ગામમાં ૮.૫ હેક્ટર જેટલી જમીન પણ છે. બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી. ઝાડી ઝાંખરા ઊગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી. ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરાવી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *