શાળા સંકુલ સામેથી કચરાના પોઈન્ટને દુર કરવા સંચાલકો દ્વારા ચિફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ
પાટણ આશિષ વિદ્યાલયના ગેટ આગળના કચરાના પોઈન્ટથી વિધાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ શાળા સંકુલ સામેના કચરાના પોઈન્ટને પાલિકા તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી માંગ સાથે શાળા સંચાલકો દ્વારા પાટણ નગરપાલિકાના ચિફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આશિષ વિધાલયના સંચાલકો દ્વારા ચિફ ઓફિસરને લેખિતમાં કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે પાટણ શહેરના ટાંકવાડા ચારરસ્તા, નરસિંહજીની વાડી સામે આવેલ આશિષ વિદ્યાલયના મેઈન ગેટને અડીને કચરાનો પોઈન્ટ બનાવવામાં આવેલ છે. આ કચરાના પોઈન્ટ પર આજુબાજુના રહીશો દ્રારા ઠલવાતી ગંદકીને કારણે શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓના આરોગ્ય સામે ખતરો ઉભો થવા પામ્યો છે ત્યારે આ કચરાના પોઈન્ટને હટાવવા સારૂ આ અગાઉ પણ લેખિત અને મૌખિક રજુઆત કરવામાં આવેલ હોવા છતાં આજદિન સુધી આ મામલે કોઈ પરિણામ મળેલ ન હોય ના છુટકે સંચાલકો એ કલેકટરના સ્વાગત ફરીયાદ કાર્યક્રમમાં આ મામલે રજુઆત કરવાની ફરજ પડી હતી.
જે રજુઆતને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર દ્વારા આ બાબતે પાલિકા તંત્રને હુકમ પણ કરેલ હોય આમ છતા આજ દિન સુધી આ કચરાના પોઈન્ટ મામલે કોઈ પરિણામ મળેલ નથી. વળી આ કચરાના પોઈન્ટને લીધે ઢોરો નો ત્રાસ પણ વધ્યો છે. આ ઢોરોને લીધે વિધાર્થીઓ સહિત માગૅ પરથી પસાર થતાં લોકો ને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આ મામલે જો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક યોગ્ય કાયૅવાહી કરવામાં નહિ આવે તો ના છુટકે શાળા સંચાલકોને શાળાના વિદ્યાર્થીઓને સાથે રાખીને રેલી સ્વરૂપે પાલિકા ખાતે રજુઆત કરવાની ફરજ પડશે તેવું લેખિત રજૂઆતમા શાળા સંચાલકોએ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

