100થી વધુ દુકાનોમાં તપાસ, 6 સામે કાર્યવાહી
રાજ્યભરમાં નશાખોરીને ડામવા માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં નશાકારક અને પ્રતિબંધિત દવાઓના વેચાણને રોકવા માટે એક વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશના ભાગરૂપે, ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક કચેરી દ્વારા ડીસા ડિવિઝનમાં દવાઓની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.ડીસા શહેર દક્ષિણ, ડીસા શહેર ઉત્તર, ડીસા તાલુકા, દાંતીવાડા અને આગથલા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી 100થી વધુ દવાઓની દુકાનોમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન છ દુકાનોમાંથી પ્રતિબંધિત અને શંકાસ્પદ દવાઓ મળી આવી હતી.
આ અંગે ડીસાના વિભાગીય પોલીસ અધિક્ષક (DYSP) સી.એલ.સોલંકીએ જણાવ્યું હતું કે, ડીસા ડિવિઝનની હદમાં 100થી વધુ જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં છ દુકાનોમાં પ્રતિબંધિત અને શંકાસ્પદ દવાઓ મળી આવી છે. આ બાબતે હાલ જાણવાજોગ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ સાથે સંકલન કરીને વધુ કાર્યવાહી કરવામાં આવશે. આ ઝુંબેશ દર્શાવે છે કે નશાખોરી સામે લડવા માટે તંત્ર કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આવી તપાસ ચાલુ રહેશે.


