બેંકની ખોટી એફ.ડી. રજુ કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી માર્ગ મકાન વિભાગ પાસેથી વર્ક ઓર્ડર મેળવ્યો
પાલનપુરના કોન્ટ્રાક્ટર જીતેન્દ્ર ફલાભાઈ પટેલે સિદ્ધપુર તાલુકાના કલ્યાણા થી નેદ્રોડા રોડના કામ માટે ટેન્ડર મેળવવા HDFC બેંક પાલનપુર શાખાની ખોટી FDR (ફિક્સ ડિપોઝીટ રસીદ) રજૂ કરીને તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો અને વર્ક ઓર્ડર મેળવ્યો હતો. આ ઘટનાને પગલે જિલ્લા પંચાયત વર્તુળમાં ભારે સનસનાટી મચી ગઈ છે. પાટણ જિલ્લા પંચાયત, પાટણ ખાતે બાંધકામ શાખામાં સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દીપકકુમાર રમેશચન્દ્ર જાદવ (ઉ.વ. ૪૭, રહે. પાટણ) એ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર ફલાભાઈ પટેલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, તારીખ ૧૩ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ ગાંધીનગરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સિદ્ધપુર તાલુકાના કલ્યાણાથી નેદ્રોડા રોડનું કામ રૂ. ૨૮૦ લાખમાં મંજૂર કરવામાં આવ્યું હતું. આ કામ માટે પાટણ જિલ્લા પંચાયત હસ્તકની માર્ગ અને મકાન વિભાગની કચેરીના કાર્યપાલક ઈજનેર દ્વારા જાહેરાત નિવિદા ક્રમાંક ૨૩/૨૦૨૨-૨૩ થી ઓનલાઈન ટેન્ડર બહાર પાડીને માન્યતા પ્રાપ્ત ઈજારદારો પાસેથી ભાવ મંગાવવામાં આવ્યા હતા.આ ટેન્ડરમાં જીતેન્દ્ર એફ. પટેલ નામના ઈજારદાર તરફથી સૌથી ઓછા ભાવો ભરવામાં આવ્યા હતા. ટેન્ડરની જોગવાઈ મુજબ સક્ષમ કક્ષાએથી તારીખ ૩૦ જૂન ૨૦૨૩ ના રોજ ટેન્ડર મંજૂર થઈ આવતાં, સૌથી ઓછા ભાવવાળા ઈજારદાર જીતેન્દ્ર એફ. પટેલને આ કામની ડિપોઝીટ રૂ. ૮,૨૩,૧૦૦ તથા રૂ. ૩૪,૦૦૦ ના સ્ટેમ્પ રજૂ કરી કરારખત કરવા માટે જાણ કરવામાં આવી હતી.
ઈજારદાર જીતેન્દ્ર એફ. પટેલે તેમના તારીખ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના પત્રથી ₹ ૮,૨૩,૫૦૦ ની પાલનપુરની HDFC બેંકની FDR નંબર ૫૦૩૦૦૭૦૫૦૭૦૨૭૮, તારીખ ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૩ તથા સ્ટેમ્પ ડ્યુટી સર્ટિફિકેટ રજૂ કરી કરારખત કર્યો હતો. આથી, પાટણ જિલ્લા પંચાયતની બાંધકામ શાખા તરફથી સિદ્ધપુર તાલુકાના કલ્યાણા-નેદ્રોડા રોડનું કામ શરૂ કરવા તારીખ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૩ ના વર્ક ઓર્ડરથી જીતેન્દ્ર એફ. પટેલને જાણ કરવામાં આવી હતી.જોકે, જીતેન્દ્ર પટેલે સિદ્ધપુરના કલ્યાણા- નેદ્રોડા રોડનું બાંધકામ શરૂ કર્યું ન હતું. સિદ્ધપુરના માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર તરફથી લેખિત તેમજ ધ્વનિ સંદેશ દ્વારા વારંવાર જાણ કરવા છતાં ઈજારદાર તરફથી કામ શરૂ કરવામાં આવ્યું ન હતું.
પાટણ જિલ્લા પંચાયતની બાંધકામ શાખા તરફથી ઈજારદારને પૂરતી તકો આપી લેખિતમાં જાણ કરવા છતાં માર્ચ ૨૦૨૫ સુધી ઈજારદાર તરફથી કામ શરૂ કરવાની કોઈ તૈયારી દર્શાવાઈ નહોતી. આથી, ટેન્ડરના નિયમો મુજબ ઈજારદારને પાટણ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઈજનેર દ્વારા તારીખ ૦૭ માર્ચ ૨૦૨૫ ના આર.પી.એ.ડી. પત્ર દ્વારા ઈજારદારને કામવાળા સ્થળે રૂબરૂ હાજર રહી કામના આખરી માપો લેવા જણાવ્યું હતું. તેમ છતાં ઈજારદાર હાજર ન રહેતા, ઈજારદારને પાટણ જિલ્લા પંચાયતના કાર્યપાલક ઈજનેર દ્વારા તારીખ ૦૮ એપ્રિલ ૨૦૨૫ ના હુકમથી સિદ્ધપુર તાલુકાના કલ્યાણા-નેદ્રોડા રોડના કામમાંથી ટેન્ડરની જોગવાઈ મુજબ ટર્મિનેટ કરવામાં આવ્યા હતા.તથા, નિયમો અનુસાર ₹ ૨૭,૪૩,૫૨૨ ની ડિપોઝીટ વસૂલ કરવા ઈજારદાર તરફથી કરારખતના કામે રજૂ કરવામાં આવેલ FDR ની રકમ ₹ ૮,૨૩,૫૦૦ જપ્ત કરવામાં આવી હતી. આ FDR ની રકમ ડ્રાફ્ટ સ્વરૂપે લેવા માટે પાલનપુરની HDFC બેંક શાખાને મોકલી આપવામાં આવતા, પાલનપુર HDFC બેંક દ્વારા તેમના તારીખ ૨૮ એપ્રિલ ૨૦૨૫ ના પત્રથી આ FDR નંબર ૫૦૩૦૦૩૦૫૦૩૦૨૭૮ તેમના દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ નથી તેવું જણાવ્યું હતું. આમ, ઈજારદાર જીતેન્દ્ર એફ. પટેલે કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન પંચાયત વિભાગ, જિલ્લા પંચાયત, પાટણ સાથે ખોટી FDR રજૂ કરી છેતરપિંડી કરી હોવાનું સ્પષ્ટ થયું છે.
પોલીસે આરોપી જીતેન્દ્ર ફલાભાઈ પટેલ, રહે. પાલનપુરવાળા વિરુદ્ધ આઈપીસી ૪૦૬ (વિશ્વાસઘાત), ૪૬૫ (ખોટા દસ્તાવેજો બનાવવા), ૪૬૭ (મૂલ્યવાન સિક્યોરિટી કે વિલ બનાવવું), ૪૬૮ (છેતરપિંડીના હેતુસર બનાવટ), અને ૪૭૧ (બનાવટી દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગમાં લેવો) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વર્ક ઓર્ડર, ઈજારદારને કામ શરૂ કરવા પાઠવેલ નોટિસો, ઈજારદારને કામમાંથી ટર્મિનેટ કર્યાનો આદેશ, પાલનપુરની HDFC બેંકને FDR વટાવવા કરેલ પત્ર, અને HDFC બેંકનો FDR ખોટી હોવાના પ્રત્યુત્તરની નકલો પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

