કન્ટ્રોલ રૂમ બંધ,એલઇડી ગુમ : લોકોની સલામતી ભગવાન ભરોસે
બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા CCTV કેમેરા શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. મોટાભાગના કેમેરા હાલ બંધ હાલતમાં છે, અને પાલિકા કચેરી ખાતેનો કંટ્રોલ રૂમ પણ બંધ કરી દેવાયો છે. આ સ્થિતિમાં શહેરીજનોની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. આ મામલે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4 ના સભ્ય વિજયભાઈ દવેએ ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કેમેરા ચાલુ કરવાની માંગ કરી છે.
ડીસા નગરપાલિકા દ્વારા અગાઉના પ્રમુખ અને હાલના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના કાર્યકાળ દરમિયાન જનતાના ટેક્સના કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ઠેર ઠેર CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. દર વર્ષે કોન્ટ્રાક્ટરને બિલ પણ ચૂકવવામાં આવતા હતા. જોકે, સમય જતાં પાલિકામાં આવેલા પ્રમુખોના મેનેજમેન્ટના અભાવે આજે આ તમામ કેમેરા બંધ હાલતમાં જોવા મળે છે. પાલિકા કચેરી ખાતે ઉભો કરવામાં આવેલો કંટ્રોલ રૂમ પણ બંધ કરી દેવાયો છે અને તેમાં ગોઠવવામાં આવેલી LED સ્ક્રીન પણ ગુમ છે.
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર જનતાની સુરક્ષા અને સલામતી માટે ફરજિયાત CCTV કેમેરા ગોઠવવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ ડીસા શહેરમાં જાણે આ નિયમો અને જાહેરનામાને કોઈ ગણકારતું જ ન હોય તેવું લાગી રહ્યું છે. શહેર હાલ “રામ ભરોસે” હોય તેવી સ્થિતિ છે, અને જાહેર જનતાની સુરક્ષા અને સલામતીની વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા છે.
શહેરીજનોની સુરક્ષા જોખમમાં મુકાતા વિરોધ પક્ષના સભ્ય અને વોર્ડ નં. 4 ના આમ આદમી પાર્ટીના સભ્ય વિજયભાઈ દવેએ આ મામલે પહેલ કરી છે. તેમણે શહેરમાં બંધ પડેલા CCTV કેમેરા તાત્કાલિક અસરથી ચાલુ કરાવવામાં આવે તેવી માંગ સાથે ચીફ ઓફિસર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે.
નેત્રમ કેમેરાનું કામ ગોકળગતિએ એક તરફ ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઘટાડો કરવા માટે રાજ્ય સરકારે “નેત્રમ” કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરી છે. જોકે, આ કામગીરી કરતી એજન્સી ગોકળગતિએ ચાલી રહી હોવાથી શહેરીજનોની સુરક્ષા વધુ જોખમમાં મુકાઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. શું ડીસા પાલિકા તંત્ર શહેરીજનોની સુરક્ષાને પ્રાધાન્ય આપી, બંધ પડેલા CCTV કેમેરા ફરીથી કાર્યરત કરશે ?

