રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૬.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૪૪૪ સામે ૮૧૪૦૩ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૧૯૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૩૯૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૮૨ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૩૬૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૪૮૨૬ સામે ૨૪૮૧૩ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૭૫૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૨૪૮૦૩ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વકરવાના સ્પષ્ટ સંકેત આપીને ઈરાને ઈઝરાયેલ સાથે પૂર્ણ યુદ્ધનું એલાન કર્યાના અહેવાલે વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્વની ચિંતામાં આજે સપ્તાહના ચોથા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. તાજેતરમાં યુ.એસ. ફેડરલ રિઝર્વ ઓપન માર્કેટ કમિટીની બે દિવસીય મીટિંગમાં વ્યાજ દર એકંદર ૪.૨૫% થી ૪.૫%ના લેવલે સ્થિરતા જાળવી રાખતા વૈશ્વિક અસરો વચ્ચે ભારતીય શેરબજારમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી.
દેશના મજબૂત મેક્રો આર્થિક સંકેતો, જેમ કે જીએસટી કલેકશનમાં વધારો, મજબૂત મેન્યુફેક્ચરિંગ ડેટા અને રોકાણકારોનો ધીમે ધીમે વધતો વિશ્વાસ બજારને ટેકો આપી રહ્યો છે. ઉપરાંત, ભારતના લાંબા ગાળાના વિકાસ દિશાસૂચકો અને રિટેલ રોકાણકારોની સતત ભાગીદારીથી બજાર સ્થિરતા તરફ આગળ વધી રહ્યું છે. સ્થાનિક સંસ્થાગત રોકાણકારો તરફથી સતત નેટ ખરીદીનો વલણ બજાર માટે સ્થિરતા અને મજબૂતીનો સંકેત આપે છે. જો કે, એફઆઈઆઈ દ્વારા સતત વેચવાલી અને વૈશ્વિક જીઓ-પોલિટિકલ ટેન્સનના કારણે દરેક ઉછાળે સાવચેતી જોવા મળી રહી છે.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ફેડરલ રિઝર્વે બેન્ચમાર્ક વ્યાજ દરો ૪.૨૫% થી ૪.૫૦% પર યથાવત રાખવાનો નિર્ણય અને ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વકરતાં આજે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે નબળો પડ્યો હતો, જયારે વૈશ્વિક ક્રૂડઓઈલના ભાવમાં તેજી આગળ વધી હતી ભાવ વધી પાંચ મહિનાની નવી ઉંચી ટોચે પહોંચ્યા હતા.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૭૭% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૧૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૧૮ અને વધનારની સંખ્યા ૯૫૯ રહી હતી, ૧૪૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૦૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બીએસઈ સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૬૯%, ટાઈટન કંપની લિ. ૦.૭૪%, લાર્સેન લિ. ૦.૫૭%, ભારતી એરટેલ ૦.૫૬%, મારુતિ સુઝુકી ૦.૪૫%, ઝોમેટો લિ. ૦.૩૬%, ટાટા મોટર્સ ૦.૩૧%, કોટક બેન્ક ૦.૩૧% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૨૭% વધ્યા હતા, જયારે અદાણી પોર્ટ ૨.૫૯%, બજાજ ફાઈનાન્સ ૨.૦૮%, ટેક મહિન્દ્રા ૧.૯૫%, ઇન્ડસઇન્ડ બેન્ક ૧.૫૪%, નેસ્લે ઇન્ડિયા ૧.૨૮%, સ્ટેટ બેન્ક ઇન્ડિયા ૦.૮૯%, ઇન્ફોસિસ લિ. ૦.૮૮%, એનટીપીસી લિ. ૦.૮૩ અને ટીસીએસ લિ. ૦.૮૧% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતના અર્થતંત્રની ગાડી પાટા પર હોવાના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી) ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ ગ્રોથ ૬.૩% થી વધુ રહેશે. ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો ૪.૨%થી વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો ચાલુ નાણાકીય વર્ષ માટે ૨.૭%થી વધુ રહેશે. ઈકરાએ રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪% રહેવાનો અંદાજ લગાવ્યો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટેના કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત, દર ઘટાડાને કારણે ઈએમઆઈમાં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે. પરંતુ વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ છે. જ્યારે સર્વિસ નિકાસમાં વૃદ્ધિ નોંધાવાની સંભાવના છે. નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં કેન્દ્રનો મૂડી ખર્ચ ૧૦.૧% વધવાનો અંદાજ છે, જે રોકાણ પ્રવૃત્તિઓને વેગ આપશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આરબીઆઈએ જીડીપી ગ્રોથ અંદાજ ૬.૫% પર જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીડીપી ગ્રોથ રેટ ૬.૫% નોંધવામાં આવ્યો હતો અને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં સમાન રહેવાનો અંદાજ છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in


