પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન નો કોન્સ્ટેબલ રૂ.25,000 ની લાંચ લેતા ઝડપાઇ ગયો હતો. ફરિયાદીના મકાન ન તોડવા અંગે પોઝીટીવ રિપોર્ટ આપવા લાંચ માંગનાર પોલીસ કોનસ્ટેબલને ઝડપી લઈ પાલનપુર એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. એસીબી સૂત્રોના જણાવ્યા મુજબ, ફરીયાદી ઉપર પહેલા ગુનાઓ દાખલ થયેલ હતા. હાલમાં સરકારની અસામાજિક તત્વોના મકાન દબાણમાં કે ગેરકાયદેસર હોય તે મકાનોને તોડવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે.
ત્યારે આરોપીએ આ પ્રકારની કાર્યવાહીની કોઈ જવાબદારી પોતાના હસ્તક ન હોવા છતાં આ કામના ફરિયાદીને તેઓનું મકાન ન તોડવા અંગેનો પોઝિટિવ રિપોર્ટ કરવા સારું રૂપિયા.૨૫,૦૦૦/-ની ગેરકાયદેસર લાંચની માગણી કરી હતી.જે ગેરકાયદેસર લાંચના નાણાં આ કામના ફરિયાદી આપવા માંગતા ના હોઇ ફરીયાદીએ બનાસકાંઠા એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે ફરિયાદના આધારે એસીબીએ પાલનપુરના ડેરી રોડ પર શિવાલયા સોસાયટીની સામે, જાહેર રસ્તા ઉપર શેરડીના કોલા ઉપર લાંચનું છટકું ગોઠવ્યુ હતું. જે લાંચના છટકા દરમ્યાન આરોપી અરવિંદભાઈ ભીખાભાઈ આલ (દેસાઈ) (હોદ્દો-અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ વર્ગ-૩, નોકરી- તાલુકા પોલીસ સ્ટેશન પાલનપુર) ને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા ઝડપી લીધો હતો. એસીબીએ આરોપી પાસેથી લાંચની રૂ.25,000 ની રકમ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.