મહિલાઓનો પાલિકા કચેરીમાં હોબાળો, ઉગ્ર આંદોલનની ચીમકી; બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસા શહેરના વોર્ડ નંબર 6 અને 7 ના રહીશો પીવાના પાણીની તીવ્ર સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રામનગર અને સરગમ સોસાયટીની મોટી સંખ્યામાં મહિલાઓ ડીસા નગરપાલિકા કચેરી ખાતે એકત્ર થઈને પાણી પુરવઠાની સમસ્યા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. મહિલાઓએ પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં પાણી પુરવઠા એન્જિનિયર સુરેશભાઈ જાદવને આડે હાથ લીધા હતા.
રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા 12 મહિનાથી તેઓ પાણીની સમસ્યા અંગે વારંવાર પાલિકા કચેરીમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર ફોટા સેશન કરતા નેતાઓ લોકોની સમસ્યાઓ દૂર કરવા માટે ગંભીરતા દાખવતા નથી તેવો આક્ષેપ પણ મહિલાઓએ કર્યો હતો. ભર ઉનાળે શહેરમાં ઠેરઠેર પાણી માટે પોકારો ઉઠી રહ્યા છે અને પાલિકાનો વહીવટ કથળી ગયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
પાણી પુરવઠા એન્જિનિયર અને કારોબારી સમિતિના ચેરમેન રવીભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે નવા પાણીના બોરને મંજૂરી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે. જ્યાં પાણી ઓછું આવે છે તે વિસ્તારોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની ખાતરી પણ આપવામાં આવી હતી, જેના પગલે મામલો શાંત પડ્યો હતો. જો કે, રજૂઆત કરવા આવેલી મહિલાઓએ ભારે આક્રોશ સાથે જણાવ્યું હતું કે જો પાલિકા દ્વારા પાણીની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં લાવવામાં આવે તો તમામ સોસાયટીના રહીશો પાલિકા કચેરી ખાતે માટલા ફોડ કાર્યક્રમ યોજશે અને આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. આ ઘટનાએ ડીસા નગરપાલિકાના વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

