પાલનપુર ડો.આંબેડકર સોસાયટી નવા લક્ષ્મીપુરા હનુમાન મંદિરની સામે રહેતા અને પાલનપુર તાલુકાના લીંડીપાદર ગામે આચાર્ય તરીકે નોકરી કરતા વ્યક્તિના ઘરે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં પડેલ સોના ચાંદીના દાગીના, એક લાખ રૂપિયા રોકડાની ચોરી કરી પલાયન થઈ જતા આ અંગે આચાર્યએ ફરિયાદ નોંધાવી છે. વડગામ તાલુકાના મેમદપુર ગામના વતની અને પાલનપુર લીંડીપાદર ગામે પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ગિરીશકુમાર તુલસીભાઈ કાપડિયા અત્યારે પાલનપુર ડો.આંબેડકર સોસાયટી નવા લક્ષ્મીપુરા હનુમાન મંદિરની સામે રહે છે. જેઓ તા. 12 એપ્રિલ 2025 ના શનિવારના દિવસે સવારે સાત વાગે ગીરીશકુમાર કાપડિયાની પત્ની કુંવરબા સ્કૂલમાં નોકરી કરતા હોવાથી સવારે 7:00 વાગે નોકરી જવા નીકળી ગયા હતા. ત્યારબાદ 7:30 વાગે ગીરીશભાઈ પણ ઘરને તાળું મારી નોકરી જવા નીકળ્યા હતા.
ત્યારબાદ તેમના પત્ની નોકરી પૂરી કરી તેમના સસરા બીમાર હોવાથી તેમના ઘરે સમાચાર લેવા ગયા હતા અને ગિરીશકુમાર નોકરી પૂરી કરી બપોરે બે વાગ્યાના સુમારે ઘરે આવી મુખ્ય દરવાજાનું તાળું ખોલી ઘરમાં પ્રવેશ કરતા ઘરના બેઠક રૂમમાં પડેલ તિજોરીમાં રહેલ બધો સામાન ઘરમાં વેરવિખેર હાલતમાં પડેલો જોઈ તેમના ઘરમાં ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ અંગેની જાણ તેમને તેમની પત્નીને કરી હતી. તેથી તેમની પત્ની પણ ઘરે આવી જઈ તપાસ કરતા તેમના ઘરમાં અજાણ્યા ચોરે ઘરના પાછળના બંધ દરવાજાની જાળી તોડી મકાનમાં પ્રવેશ કરી ગીરીશભાઈના ઘરમાં તિજોરી તથા લોખંડની પેટીમાં પડેલ તેમની પત્નીની કાનની બુટ્ટી જોડી નંગ-1 અન્ય સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ રૂપિયા એક લાખ તેમજ અગત્યના ડોક્યુમેન્ટો ની ચોરી કરી લઈ ગયો હતો. જેથી આ અંગે ગીરીશભાઈએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરુધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

