બનાસકાંઠામાં 400 થી વધુ અસામાજિક તત્વો સામે તવાઈ જારી
પાલનપુર શહેર-તાલુકામાં બુટલેગરોના દબાણો પર બુલડોઝર ફરી વળ્યું; રાજ્યના ગૃહમંત્રી અને ડીજીપી ના આદેશને પગલે પાવરમાં આવેલી બનાસકાંઠા પોલીસે અસામાજિક તત્વો સામેની કાર્યવાહી જારી રાખી છે. પાલનપુર સહિત જિલ્લાભરમાં 162 થી વધુ અસામાજિક તત્વો ના વીજ અને પાણીના જોડાણ કાપી નાખવામાં આવ્યા છે. તો વળી ગેરકાયદેસરના દબાણો પર હથોડો વીંઝાઈ રહ્યો હોઇ અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
બનાસકાંઠા પોલીસ, પાલિકા અને વિજ તંત્રની ટીમો દ્વારા અસામાજિક તત્વો-ગુનેગારો અને બુટલેગરો સામે સખ્તાઈથી પગલાં લેવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 162 થી વધુ અસામાજિક તત્વોના વિજ, નળના જોડાણ કાપી નખાયા છે. 17 જેટલા દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયા છે. તેમજ 82 જેટલા ગેરકાયદે બાંધકામ મુદ્દે નોટિસ આપવામાં આવી છે. ત્યારે આગામી દિવસો માં તેના પર હથોડો વાગશે. જિલ્લામાં અસામાજિક તત્ત્વો અને અનૈતિક પ્રવૃત્તિઓ ચલાવતા તત્ત્વો સામે 400 થી વધુ શખ્સો સામે એક્શન લેવામાં આવ્યા છે. અને તેમણે બીનઅધિકૃત બનાવેલ રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે. તો વળી ગેરકાયદેસરના વીજ કનેક્શન કે નળના જોડાણ કાપી નાખવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
જિલ્લા પોલીસ વડા દ્વારા અસામાજીક પ્રવૃત્તિને ડામવા તટસ્થ રીતે કડક કાર્યવાહી કરવા માટે આદેશો આપતા ઠેર ઠેર અભિયાન હાથ ધરાયુ છે. આજે સતત ત્રીજે દિવસે પાલનપુરમાં દાદાનું બુલડોઝર પુરજોશમાં જોવા મળ્યું હતું. ત્રીજા દિવસે બુટલેગરો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. પાલનપુર શહેરના સોનબાગ વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘર જેસીબીથી તોડી દેવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાય સમય થી રીઢા ગુનેગારના ગેરકાયદેસર દબાણ પર ઘર કરીને રહેતા અસામાજિક તત્વોના દબાણો પર બુલડોઝર ફેરવામાં આવ્યું હતું.
પાલનપુર તાલુકામાં વીજ-પાણી કનેક્શન કપાયા; પાલનપુર શહેર અને ગ્રામ્ય કક્ષાએ પણ પોલીસનો પાવર જોવા મળી રહ્યો છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસે સદરપુર ગામમાં દાદાનું બુલડોઝર ફેરવી 3 અસામાજિક તત્વોના દબાણો દૂર કર્યા હતા. જ્યારે 10 જેટલા વીજ કનેક્શન અને 4 થી વધુ પાણીના કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. આમ, અસામાજિક તત્વો સામેની પોલીસની મુહિમ ચાલું રહેતા અસામાજિક તત્વો ફફડી ઉઠ્યા છે.