550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી તેને અપડેટ કયૉ બાદ અટકાયતી પગલા ભરાશે
રાજ્યમાં ગુંડા તત્વો સામે કાર્યવાહી માટે પોલીસ વિભાગને કરાયેલ સૂચના મુજબ પાટણ જિલ્લામાં ખંડણી, વ્યાજખોરી, ખનીજ ચોરી, દારૂ, જુગાર, મિલકત અને મારામારીના બેથી વધુ ગુના નોંધાયેલા હોય તેવા 550 આરોપીઓની યાદી પોલીસે તૈયાર કરી તેને અપડેટ કરવામાં આવી રહી છે.જે બાદમાં તેમની સામે પોલીસ દ્વારા અટકાયતી પગલા ભરવામાં આવનાર હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.
જિલ્લા પોલીસ વડાની સુચના આધારે પાટણ એલસીબી,એસઓજી, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ દ્વારા સોમવારની રાત્રે શહેરના જાહેર સ્થળો પર વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન પાન પાર્લર અને ચાર રસ્તા પર બેસતા અસામાજિક તત્વોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ડીવાયએસપી કે.કે. પંડ્યાના નેતૃત્વમા પોલીસની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે બગવાડા દરવાજા, નવજીવન ચાર રસ્તા, ટીબી ત્રણ રસ્તા, ઊંઝા ત્રણ રસ્તા અને સુદામા ચાર રસ્તા પર વિશેષ તપાસ અભિયાન ચલાવ્યું હતું.
હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન કાળા કાચ (બ્લેક ફિલ્મ) વાળી ગાડીઓને ડિટેઈન કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિવિધ સ્થળોએથી શંકાસ્પદ વ્યક્તિઓને પોલીસ સ્ટેશન લઈ જઈને પૂછપરછ કરવામાં આવી હતી.તો પોલીસ તપાસ દરમ્યાન એક સ્કોર્પિયો ગાડી માંથી છરી સાથે એક યુવક પકડાયો હોવાનું જાણવા મળ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં એકી સાથે પોલીસ કાફલાની હાજરી અને તપાસને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. આ કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનશે તેવી આશા શહેરીજનો એ વ્યકત કરી પોલીસ ની કામગીરી ને સરાહનીય લેખાવી છે.