મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને બેટી બચાવો બેટી પઢાવો સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તા. 06, 07 અને 08 માર્ચના રોજ ધ બોક્સ ક્રિકેટ ક્લબ, ડી માર્ટ સર્કલ, મહેસાણા ખાતે વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગત 06 માર્ચના રોજ જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીનની ઉપસ્થિતિમાં આ ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
જે અંતર્ગત મહેસાણા મારવિક્સ અને મહેસાણા ચેમ્પિયન્સ વચ્ચે યોજાનાર પ્રથમ મેચના કપ્તાનો સાથે જિલ્લા કલેક્ટરે ટોસ ઉછાળીને આ પ્રીમિયર લીગનો પ્રારંભ કરાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી હસરત જૈસમીને બેટિંગ કરીને આ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ પ્રીમિયર લીગમાં ભાગ લેનાર મહિલા રમતવીરોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વુમન્સ ક્રિકેટ પ્રીમિયર લીગ સ્પર્ધામાં ભાગ લેવા બદલ અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. આ તકે મહેસાણા પ્રાંત અધિકારી, મહિલા અને બાળ અધિકારી, મહેસાણા મામલતદાર તેમજ મહિલા રમતવીરો સહિત દર્શકો ઉપસ્થિત રહ્યા હતા.