એક ક્વીન્ટલ રાયડા નો નીચો ભાવ રૂ.4810 અને ઉંચો ભાવ રૂ.5975 સાથે સરેરાશ ભાવ રૂ 5,438 રહ્યો
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા પાટણ પંથક સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોની સુખાકારી સાથે વેપારીઓ માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખુલ્લી હરાજી, ખરુ તોલ અને રોકડા નાણાંના વ્યવહારના કારણે પંથકના ખેડૂતો પોતાની જણસોનું વેચાણ કરવા મોટી માત્રામાં પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આવતાં હોય છે.
હાલમાં પાટણ પંથકમાં રાયડાનું મબલખ ઉત્પાદન થયું હોય પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર ખાતે ખેડૂતો પોતાના રાયડાનું વેચાણ કરવા ખાનગી વાહનો, ટ્રેક્ટરો, ઉટલારીઓ મારફતે વહેલી સવારથી જ આવતા હોય છે. ત્યારે ખેડૂતોના ઉત્પાદનનું પૂરેપૂરું વળતર મળે તે માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ વ્યાપારીઓને વિશ્વાસમાં રાખી ખેડૂતોના પાકનો ખરો તોલ અને તેના પૂરતા રોકડમાં નાણા મળે તે માટે કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યા છે.
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તારીખ 17 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન અંદાજીત 50 હજારથી વધુ બોરી રાયડાની આવક થઈ હોવાનું અને રાયડાના નીચા ભાવ કવીન્ટલે રૂ. 4810 થી માંડીને ઊંચા ભાવ રૂ. 5975 સાથે સરેરાશ ભાવ રૂ 5438 રહ્યો હોય ખેડૂતો ને રાયડાના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોવાનું પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું.