વાહન ચાલકો સહિત રાહદારીઓને હાશકારો; બનાસકાંઠાની આર્થિક પાટનગરી ડીસા પાલિકામાં ભાજપનું સાશન છે તેમ છતાં પણ શહેરના મોટાભાગના રોડ અને રસ્તા બિસ્માર અને ખખડધધ જોવા મળી રહ્યા છે. તેમાંય ગત ચોમાસા દરમિયાન વરસાદના કારણે ડીસાના મોટા ભાગના રોડ- રસ્તાની હાલત ખુબ જ ખરાબ બની ગઈ હતી. જો કે રાજ્ય સરકારના આદેશના પગલે પાલિકા તંત્ર મોડેથી જાગીને બિસ્માર રોડ -રસ્તાને રિફ્રેશ કરવાની કામગીરી હાથ ધરી છે.
ભાજપ સાશિત ડીસા પાલિકા સતત વિવાદોથી ઘેરાયેલી રહી છે પરિણામે ડીસાવાસીઓને પાયાની સુવિધા મેળવવામાં પણ ભારે મુશ્કેલી પડી રહી છે. તેમાંય રોડ -રસ્તાની હાલત તો દયાજનક સ્થિતિમાં જોવા મળી રહી છે. જેમાં લાયન્સ હોલથી અંબિકા ચોક સુધીનો રોડ લાંબા સમયથી ખરાબ છે. આ ઉપરાંત બગીચા સર્કલથી મહારાણા પ્રતાપ હાઈસ્કૂલ અને રેલવેસ્ટેશન સર્કલ સુધીના રોડમાં મોટા ખાડા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ઉમિયાનગરથી પાટણ હાઇવેને જોડતો રોડ પણ ખુબજ ખરાબ હાલતમાં છે. વાહન ચાલકો અહીંથી પસાર થવામાં પણ સતત ડર અનુભવી રહ્યા છે. જોકે લાંબા સમયથી આ તમામ રોડને રિફ્રેશ કરવાની રજુઆત થયા બાદ આ મામલે રાજ્ય સરકારે આદેશ કરતા પાલિકા તંત્ર દ્વારા તમામ રોડ રિફ્રેશ કરવાની કામગીરી હાથ ધરવાંમાં આવી છે. જેમાં ડીસા સાંઈ બાબા મન્દિર, મહારાણા પ્રતાપ સ્કૂલ, વીરેનપાર્ક નજીકનો રોડ, સહિતના રોડને પાલિકા દ્વારા રિફ્રેશ કરવામાં આવી રહ્યા છે.તેથી ખાસ કરીને વાહન ચાલકો સાથે રાહદારીઓએ હાશકારો અનુભવ્યો છે. જો કે કેટલીક જગ્યાએ ખાડા પુરી સંતોષ માનવામાં આવી રહ્યો છે. તેથી શહેરીજનોએ રોષ વ્યકત કરી તમામ રોડનું નવીનીકરણ કરવાની માંગ કરી હતી.