સૈફ અલી ખાનના ઘરના નવા સીસીટીવી ફૂટેજ બહાર પાડવામાં આવ્યા છે જેમાં શંકાસ્પદ હુમલાખોર અભિનેતાના ઘરની ઉપરના માળે જતો જોવા મળે છે. વીડિયો અનુસાર, 16 જાન્યુઆરીએ લગભગ 1:38 વાગ્યે શંકાસ્પદ હુમલાખોરને સીડી પર બેગ સાથે જોવામાં આવ્યો હતો. વીડિયોમાં તેનો ચહેરો દેખાતો નથી કારણ કે તેણે તેના ચહેરાને લાલ રંગના કપડાથી સંપૂર્ણપણે ઢાંકી દીધો હતો. અગાઉ, શંકાસ્પદ આરોપીની એક તસવીર સામે આવી હતી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેમાં તે અભિનેતા પર હુમલો કર્યા બાદ સીડીઓ પરથી નીચે આવતો જોવા મળ્યો હતો.
ફૂટેજ અગાઉ પણ સામે આવ્યા હતા
અગાઉ બહાર પાડવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે, શંકાસ્પદ હુમલાખોર અભિનેતાના ઘરેથી ભાગતો જોવા મળ્યો હતો. મુંબઈ પોલીસે દાવો કર્યો હતો કે 2 શંકાસ્પદ લોકોને જોવામાં આવ્યા છે. તેમાંથી એકની ઓળખ થઈ ગઈ છે અને હવે તેની તસવીર પણ વાયરલ થઈ છે. થોડા કલાકો બાદ શુક્રવારે સવારે આ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા પણ આ વ્યક્તિ બાંદ્રા રેલવે સ્ટેશન પાસે દેખાયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે શંકાસ્પદ વ્યક્તિ બાજુની બિલ્ડીંગ પરથી કૂદીને સૈફ અલી ખાનની બિલ્ડિંગમાં આવ્યો હતો.