ગઠિયાઓએ વાતોમાં ઉલઝાવતા વૃદ્ધાએ હાથો હાથ બે તોલા સોનાની ચેઇન આપી દીધી: પાલનપુરના અમદાવાદ હાઇવે પર વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા એક વૃદ્ધાને બે અજાણ્યા ઇસમોએ માતાજીના ભક્ત હોવાની ઓળખ આપી તેમને વાતોમાં ઉલજાવી તેમને ગાળામાં પહેરેલ સોનાનો દોરો માંગતા વૃદ્ધાએ પોતાના હાથે સોનાનો દોરો આપી દેતા આ અજાણ્યા ગઠીયા ફરાર થઇ ગયા હતા. બાદમાં વૃદ્ધાને છેતરાયા હોવાની જાણ થતાં બનાવ અંગે ફરિયાદ દાખલ કરાવી છે.
પાલનપુરના અમદાવાદ હાઇવે પર આવેલ દેવવીલા સોસાયટીમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધા સરસ્વતીબેન રામલાલ સોનગરા તા.30 ઓકટોબરના સવારે અમદાવાદ હાઇવે પર મોર્નિંગ વોક કરી પરત ઘરે જઇ રહ્યા હતા. દરમ્યાન બાઇક પર આવેલ બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધાને અંબાજી તરફ જવાનો માર્ગ પૂછ્યો હતો વૃદ્ધાએ અંબાજી જવાનાં રસ્તાની ખબર ન હોવાનું જણાવતા તેઓ માતાજીના ભક્ત હોવાનું જણાવી અલગ અલગ વાતોમાં વૃદ્ધાને ઉલજાવી તેમને ગાળામાં પહેરેલ સોનાનો દોરો માંગતા વૃદ્ધાએ તેમના હાથે રૂ.95 હજારની કિંમતનો બે તોલા સોનાનો દોરો આપી દીધો હતો. જોકે આંગળીએ પહેરેલ વિટીઓ માંગતા આ વીંટીઓ ન નીકળતા તે બચી જવા પામી હતી. બાદમાં ગઠીયા ફરાર થઇ ગયા હતા જોકે તાજેતરમાં રતનપુર નજીક પર એક ભગવા ધારી ઈસમે પરખડી ગામના એક આધેડને આવી રીતે જ લૂંટી લીધો હતો.