શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થતા આમ પ્રજા સહિત તંત્રને હાશકારો
મતદારોએ મતદાન માટે લાઈનો લગાવી લોકશાહીના પર્વને દિપાવ્યું
મતદાન બાદ હવે લોકોની 23 નવેમ્બરે હાથ ધરાનાર મત ગણતરી પર નજર
સમગ્ર રાજ્યમાં ઉત્સુકતા જગાવનાર વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું રેકોર્ડ બ્રેક મતદાન લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા આમ પ્રજા સહિત વહીવટી તંત્રે હાશકારો અનુભવ્યો છે. મતદાન બાદ હવે લોકોની નજર મત ગણતરી ઉપર મંડરાઈ છે. જેને લઈ ઉત્તેજનાનો માહોલ અકબંધ જળવાઈ રહ્યો છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મત વિસ્તારના 177 ગામોમાં 321 બુથો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાયું હતું.વહેલી સવારથી જ મતદારોએ મતદાન માટે ઉત્સાહ દાખવતા બુથો ઉપર લાઈનો જોવા મળી હતી.મતદારોની આ લાઈનો મોડી સાંજ સુધી જળવાઈ રહી હતી.યુવાનો સહિત વડીલો, દિવ્યાંગો અને મહિલા મતદારોએ પણ મોટી સંખ્યામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને દિપાવ્યું હતું. ઉંચી ટકાવારીમાં મતદાન થતાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રણે પાર્ટીએ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. છેલ્લી ઘડી સુધી કોંગ્રેસ, ભાજપ અને અપક્ષે પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી.
શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા સંપન્ન થતા હર કોઈએ હાશકારો અનુભવ્યો હતો. કારણ આખો દિવસ કોઈ અનિચ્છનીય બનાવ જોવા મળ્યો નહતો જવાબદાર તંત્રએ ખડે પગે હાજર રહી પોતાની ફરજ નિભાવી હતી. હવે આગામી 23 નવેમ્બરે પાલનપુરના જગાણા ખાતે હાથ ધરાનાર મત ગણતરી ઉપર હર કોઈની મીટ મંડરાઈ છે.કઈ પાર્ટીનો ઉમેદવાર વિજયની વરમાળા પહેરશે? તે મુદ્દે સટા બજારમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે મતદાનની ઊંચી ટકાવારી જોતા સાંસદ ગેનીબેન ઠાકોર મીડિયાને પ્રતિક્રિયા આપતાં ખુશ જોવા મળી રહ્યા હતા.ઊંચું મતદાન કોને ફળશે? તેને લઈ અવનવી અટકળો વચ્ચે ઉત્તેજનાનો માહોલ અકબંધ જળવાઈ રહ્યો છે.મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્રણે પાર્ટીએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરી દરેક મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.