પાલનપુરમાં રવિવારે 34 કેન્દ્રો ઉપર તલાટીની પરીક્ષા
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા બહારના જિલ્લામાંથી આવનાર ઉમેદવારો માટે સુચારુ વ્યવસ્થા ગોઠવાઈ; બનાસકાંઠા જિલ્લાના વડા મથક પાલનપુર ખાતે આગામી 14 સપ્ટેમ્બર ને રવિવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મહેસુલી તલાટી વર્ગ 3 ની પરીક્ષા યોજાનાર છે.જેને લઈને બનાસકાંઠા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા આપવા આવનાર જિલ્લા બહારના ઉમેદવારો માટે પાલનપુર શહેરમાં આવેલ શાળા -કોલેજોમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠાના વડા મથક પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સુચારૂ વ્યવસ્થાના ભાગ રૂપે બહારથી પરીક્ષા આપવા આવનાર ઉમેદવારોને પરીક્ષા દરમિયાન કોઈ તકલીફ ન પડે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હિતેષ પટેલના જણાવ્યા અનુસાર આગામી 14 સપ્ટેમ્બરે સવારે 11:30 કલાકે યોજાનાર મહેસુલી તલાટી વર્ગ 3 ની પરીક્ષા આપવા આવનાર ઉમેદવારો માટે પાલનપુર શહેરમાં કુલ 34 કેન્દ્રોમાં 361 બ્લોકમાં 10816 ઉમેદવારો માટે 34 કેન્દ્ર સંચાલક તેમજ 34+4 રિઝર્વ મંડળના પ્રતિનિધિ, 47 તકેદારી સુપરવાઈઝર 10 ઝોનલ ઓફિસર સહિત 10 રૂટ બનાવવામાં આવ્યા છે.વહીવટી તંત્ર દ્વારા પણ પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા કરાઈ છે.આમ,પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પૂરતી તૈયારીઓ કરી દેવાઈ છે.
પાલનપુર એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડવાશે; પાલનપુર એસટી વિભાગ દ્વારા 14 સપ્ટેમ્બરના રોજ મહેસુલી તલાટી વર્ગ 3 ની પરીક્ષા હોવાથી બનાસકાંઠા જિલ્લામાંથી અન્ય જિલ્લામાં પરીક્ષા આપવા જનાર ઉમેદવાર માટે એક્સ્ટ્રા બસોનું અંબાજી,પાલનપુર,ડીસા દિયોદર અને થરાદ ડેપોથી સંચાલન કરવામાં આવશે. જે માટે પરીક્ષા આપવા જતા ઉમેદવારોએ એડવાન્સમાં જે તે ડેપોનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.તેમજ પાટણ જિલ્લાના ઉમેદવારો જે બનાસકાંઠા કે મહેસાણા જનાર છે. તેઓ પણ રાધનપુર- સિદ્ધપુર ડેપોનો સંપર્ક કરે જેથી એસટી વિભાગને તેનું એડવાન્સ આયોજન કરવામાં અનુકૂળતા રહે તેવું એસ.ટી.વિભાગના ડી.ટી.ઓ. વિનુભાઈ ચૌધરીએ જણાવ્યું છે.

