ડીસાની સીપુ નદીમાં ખનિજ ચોરી ઝડપાઈ

ડીસાની સીપુ નદીમાં ખનિજ ચોરી ઝડપાઈ

 ૧૯.૭૮ લાખનો દંડ અને ૩ શખ્સો સામે ગુનો દાખલ

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભડથ ગામની સીપુ નદીમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરતા તત્વો સામે ખાણ-ખનિજ વિભાગે લાલ આંખ કરી છે. ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી કુલ ૫,૨૫૪ મેટ્રિક ટન સાદી રેતીની ચોરી બદલ ત્રણ વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

​બનાસકાંઠા કલેક્ટરને મળેલી બાતમીના આધારે ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી તપાસ ટીમ દ્વારા ૩ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ મોડી રાત્રે ભડથ ગામની સીપુ નદીના પટમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નદીના પટમાંથી ટાટા હિટાચી કંપનીનું એક્સકેવેટર મશીન (હિટાચી) ગેરકાયદેસર રેતીનું ખોદકામ કરતું મળી આવ્યું હતું. તપાસ સમયે સ્થળ પર બે ખાલી ટ્રકો પણ રેતી ભરવા માટે હાજર હતી.  ​ખનિજ વિભાગની માપણી મુજબ કુલ ૫,૨૫૪.૯૪૪ મેટ્રિક ટન સાદી રેતીની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. આ બદલ તંત્ર દ્વારા વહીવટી ચાર્જ: રૂ. ૧૨,૬૧,૧૮૭/-,​પર્યાવરણીય નુકસાની વળતર રૂ. ૫,૧૭,૦૮૬/- , મશીન પેનલ્ટી: રૂ. ૨,૦૦,૦૦૦/- એમ કુલ મળીને રૂ. ૧૯,૭૮,૨૭૩/- ભરવા માટે નોટિસ આપવામાં આવી હતી. દંડની રકમ ન ભરાતા આખરે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ​હિતેશભાઈ વેલજીભાઈ ઠાકોર (રહે. ભડથ, તા. ડીસા) – મશીન રાખનાર અને ખોદકામ કરાવનાર,  ​પ્રકાશભાઈ અમરતભાઈ પંડ્યા (રહે. માંડલા, તા. કાંકરેજ) – મશીન માલિક અને ​વિરમારામ હરજીભાઈ જાટ (રહે. અરનીયાલી, રાજસ્થાન) – મશીન ઓપરેટર સામે ખાણ-ખનિજ વિભાગના માઈન્સ સુપરવાઈઝર ચેતનકુમાર દલજીભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવતા ડીસા રૂરલ પોલીસે બી.એન.એસ.ની કલમ ૩૦૩ (૨) અને ૩૧૭ (૫) મુજબ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *