વિસ્તરણ રેન્જના કાયમી મજુરોના ત્રણ માસના અને 240 દિવસવાળા રોજમદારોના પાંચ માસ ના પગાર ન થતાં મજુરોની પરેશાની વધી. બનાસકાંઠા જિલ્લા વિસ્તરણ રેન્જ વિભાગના તાબામાં હેઠળના ભાભર વિસ્તરણ રેન્જ માં ઘણા સમયથી મજૂરી કામ કરતા વન વિભાગના મજૂરો ને તેમની મજુરી કામનો પગાર સમયસર મળતો ન હોવાની રાવ ઉઠી છે.
જેમાં જાણવા મળતી માહિતી મુજબ ભાભર વિસ્તરણ રેન્જના કાયમી મજૂરો ના છેલ્લા ત્રણ માસના પગાર અને 240 દિવસ વાળા રોજમદાર મજૂરોના પાંચ માસના પગાર મળ્યા ન હોવાની બુમરાણ મચી છે. જેના કારણે મજૂરોને તેમના પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની ગયું છે. અને તેઓ કફોડી હાલતમાં મુકાયા હોવાનું સાંભળવા મળી રહ્યું છે. વળી વન વિભાગના આ મજૂર કામદારોને ને તેમની મહેનત નું મહેનતાણું સમયસર ન મળતા મજૂરો બેહાલ બન્યા છે. જેમાં ભાભર વિસ્તાર રેન્જ કચેરીની કથિત બેદરકારીના કારણે મજૂરોના સમયસર પગાર થતા ન હોવાનું પણ રેન્જમા લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ બાબતે વિસ્તરણ રેન્જના ડીએફઓ આ સમગ્ર મામલે ઝીણવટ ભરી તપાસ કરાવી મજૂરોનો પગાર સત્વરે કરાવે તેવી મજૂર આલમમાં માંગ ઉઠવા પામી છે.

