આગથળાથી ધુણસોલ સુધી મેટલ પાથરી કામ બંધ : વાહન ચાલકો અને લોકો ત્રાહિમામ
વિધાનસભાનાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રોડનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.
લાખણી તાલુકાના આગથળાથી ધાનેરા તાલુકાને જોડતા હાઇવે રોડનું કામ અધવચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. સરકાર દ્વારા લોકોની સુખાકારી માટે અને વાહન વ્યવહારની પૂરતી વ્યવસ્થા માટે રાજ્યમાં રોડનું કામ ખુબ સુંદર રીતે કરવામાં આવી રહ્યું છે. જેમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ કેટલાક કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલિ ભગતના પાપે સરકારને પ્રજાના રોષનું ભોગ બનવું પડે છે અને આવું જ કંઈક લાખણી તાલુકાના આગથળાથી ધાનેરા વચ્ચેના ૨૫ કિલોમીટર હાઇવે રોડ બનાવવામાં થઈ રહ્યું છે.
વર્ષોથી બિસ્માર બનેલા રોડને નવો હાઇવે રોડ બનાવવાની લોકોની માંગણીને ધ્યાનમાં રાખી ધારાસભ્ય કેશાજી ચૌહાણે સરકારમાં રજૂઆત કરતા સરકાર દ્વારા ૩.૫ મીટરમાંથી ૭ મીટર પહોળો ડબલ લાઈન હાઇવે રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવતા લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાઈ હતી. પરંતુ રોડનું કામ ચાલુ કર્યા બાદ છેલ્લા સાત મહિનાથી મરજી મુજબ કામ થઈ રહ્યું છે. રોડની કામગીરીના ભાગરૂપે આગથળાથી ધુણસોલ ચોકડી સુધી મેટલ પાથરી દેવામાં આવી છે. ત્યાર બાદ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો જાણે ભૂગર્ભમાં ઉતરી જતાં રોડનું કામ અધવચ્ચે અટકી ગયું છે. જેને લઇ વાહનચાલકો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યાં છે. મેટલ પાથરી દીધા બાદ વાહનોની અવરજવરનાં કારણે ડસ્ટ અને ધૂળની ડમરીઓ ઉડતા બાઈક ચાલકોને ડ્રાઈવિંગ કરવામાં હલકી પડી રહી છે. જેને લઈ અકસ્માત સર્જાવાની શક્યતા વધી ગઈ છે સાથે સાથે આજુ બાજુના ખેતરોમાં રોડ ઉપરથી ઉડતા ડસ્ટનાં કારણે ખેતપેદાશોના નુકસાન થઇ રહ્યું છે. જેને લઈ ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે.
વીજપોલ અડચણને લઈ કામ અટક્યું; આ બાબતે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ થરાદનો સંપર્ક કરતા જાણવા મળ્યા પ્રમાણે ધુણસોલ-આગથળા રોડ ઉપર વીજ થાંભલાઓ અડચણ રૂપ હોઈ કામની ગતિ ધીમી છે. વીજ પોલ હટાવવાની પ્રક્રિયા કરાયેલ છે ત્યારે વીજ પોલ હટાવવાની કામગીરી ટુક સમયમાં થઈ જશે અને કામ ચાલુ કરશે તેવું આધાર ભૂત સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.