ચુંટાયેલા નગરસેવકો લોકોની સમસ્યા જોવા પણ ન આવતા હોવાની હૈયાવરાળ ઠાલવી
બોર ઓપરેટર અને ખાનગી ટેન્કર ચાલકો વચ્ચે મિલીભગત હોવાના આક્ષેપ ઉઠ્યા
પાટણના વોર્ડ નં.૧૧ માં આવતા શ્યામ બંગ્લોઝના રહીશોએ પાણી મામલે પાલિકામાં ધરણા કરી બોર ઓપરેટર-ટેન્કર ચાલકો વચ્ચે મિલીભગતનો આક્ષેપ કરી સુત્રોચ્ચાર કરતાં વાતાવરણ ગરમાયું હતું જોકે પાલિકા તંત્રની પાણી મામલે હૈયાધારણા મળતાં રહીશોનો આક્રોશ થાળે પડ્યો હતો.
પાટણ શહેરના વોર્ડ નંબર ૧૧ માં આવેલી શ્યામ બંગ્લોઝ સોસાયટીના રહીશો છેલ્લા એક વર્ષથી અનિયમિત અને અપૂરતો પાણી પુરવઠો મળી રહ્યો હોવાથી પરેશાન બન્યા હોય તો વળી ઘણીવાર ગંદું પાણી આવવાથી રહીશોના આરોગ્યને જોખમ ઉભું થયું હોય સ્થાનિક રહીશોએ આ મામલે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા મંગળવારે સોસાયટીની મહિલાઓએ પાલિકાની વોટર વર્ક્સ શાખામાં આવી ધરણા કર્યા હતા. અને જ્યાં સુધી સમસ્યાનું નિરાકરણ ન આવે ત્યાં સુધી પાલિકામાંથી નહીં જવાની ચીમકી આપી.
મહિલાઓએ બોર ઓપરેટર અને ટેન્કર માફિયા વચ્ચે મિલીભગત હોવાનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બોર ઓપરેટર ને પાણી માટે રજૂઆત કરતાં તે ટેન્કર બોલાવવાની સલાહ આપે છે. સ્થાનિકોએ ચૂંટણી સમયે મત માંગવા આવતા કોર્પોરેટરો હવે દેખાતા ન હોવાની ફરિયાદ પણ ઉપપ્રમુખ હિનાબેન શાહ સમક્ષ કરતા તેઓએ ટુંક સમયમાં રહીશોની સમસ્યાના નિરાકરણની ખાતરી આપતાં રહીશોનો આક્રોશ થાળે પડયો હતો. જોકે સોસાયટીના રહીશો પોતાની સમસ્યાનો નિકાલ લાવવા પાલિકા ખાતે આવ્યા હોવાની જાણ વિસ્તારના કોર્પોરેટર જયેશ પટેલને થતાં તેઓ પાલિકા ખાતે દોડી આવ્યા હતા. અને તેઓએ પણ સમસ્યાના નિકાલ માટેની હૈયા ધારણા આપી હતી.
Beta feature


