માલપુર ખાતે વાલ્મિકી સમાજની મહિલાઓએ સમાજની પડતર માગણીઓને લઈને માલપુર-ગોધરા હાઈવે પર ચક્કાજામ કરતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. ગુજરાત રાજ્ય વાલ્મિકી સંગઠનના અધ્યક્ષ લાલજી ભગત દ્વારા સમાજના કર્મચારીઓની વિવિધ માગણીઓને લઈને 1 જાન્યુઆરીથી માલપુરથી દિલ્હી સુધીની દંડવત યાત્રા શરૂ કરવામાં આવી હતી. 21 દિવસ વીતવા છતાં સરકાર કે વહીવટી તંત્ર તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં આજે લાલજી ભગતના પત્ની સહિતની વાલ્મિકી સમાજની મહિલાઓએ માલપુર ચાર રસ્તા પાસે મોડાસા-ગોધરા હાઈવે પર બેસી જઈને ચક્કાજામ કર્યો હતો. મહિલાઓએ સૂત્રોચ્ચાર સાથે ન્યાયની માગણી કરી હતી.
જોકે, આ આંદોલન માટે કોઈ સરકારી મંજૂરી ન હોવાથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે લાલજી ભગતના પત્ની સહિત આંદોલનકારી મહિલાઓની અટકાયત કરી હતી અને બંધ કરાયેલા હાઈવેને ફરી ખુલ્લો કરાવ્યો હતો. વાલ્મિકી સમાજની માગણીઓ પ્રત્યે સરકારની ઉદાસીનતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.