નાયબ કલેકટરના લોકરમાંથી રૂ.74.89 લાખના સોના-ચાંદી ના દાગીના મળ્યા; પાલનપુરમાં લાંચ લેતા ઝડપાયેલા મહિલા નાયબ કલેકટરની મુશ્કેલી ઓ દિન-પ્રતિદિન વધી રહી છે. રૂ. 3 લાખની લાંચ લેતા ઝડપાયેલા મહિલા નાયબ કલેકટરના બેંક ના લોકરમાંથી રૂ.74.89 લાખના દાગીના મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠા સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર અંકિતા ઓઝા અને ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ ઇમરાન નાગોરી તાજેતરમાં રૂ.3 લાખની લાંચ લેતા ઝડપાઇ ગયા હતા. ત્યારે એસીબીએ નાયબ કલેકટર અંકિતા ઓઝાની મહેસાણા સ્થિત બેંકમાં તપાસ હાથ ધરી હતી. મહેસાણા બેંક ઓફ બરોડા ના લોકરમાં તપાસ દરમિયાન સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. અગાઉ નાયબ કલેકટરની જામીન અરજી પણ ના-મંજૂર થઈ હતી. હવે લોકરમાંથી દાગીના મળી આવતા આવક કરતા વધુ અપ્રમાણસરની મિલકત ધરાવવા ના કેસમાં નાયબ કલેકટરની મુશ્કેલીઓ વધશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.
લોકરમાંથી શું મળી આવ્યું? લાંચ લેતા ઝડપાયેલા મહિલા નાયબ કલેકટર અંકિતા ઓઝાના બેંક લોકરમાંથી રૂ.59,63,000 ની કિંમતના 10 સોનાના બિસ્કિટ તથા 7 સોનાની લગડી મળી આવી હતી. આ ઉપરાંત રૂ.15, 26,839 ની કિંમતના સોના-ચાંદી ના દાગીના મળી આવ્યા હતા. આમ, લોકરમાંથી કુલ રૂ.74,89, 839 ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને સોનાના બિસ્કિટ મળી આવતા તેઓની મુશ્કેલીમાં વધારો થયો છે.