જીવદયા પ્રેમીઓએ પાણીના કુંડા ઘરે લઈ જઈ પક્ષી માટે પાણી ભરીને જીવદયાની ભાવનાને ઉજાગર કરી, પાટણ શહેરમાં જીવદયાની પ્રવૃત્તિ કરતી અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્ય કરી રહી છે. ત્યારે ઉનાળાની બળબળતી ગરમીને ધ્યાનમાં રાખીને અબોલ પક્ષીઓ માટે વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ પાટણ નગર દ્વારા બુધવારના રોજ શહેરના બગવાડા દરવાજા પાસે પાણીના કુંડાઓનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દુ પરિષદ પાટણ નગર સેવા વિભાગ દ્વારા આયોજિત આ જીવદયાના પ્રોજેક્ટમા પાટણના જીવદયા અને પશુ-પક્ષી પ્રેમીઓએ ઉત્સાહ દાખવી નિઃશુલ્ક પાણીનાં કુંડા પોતાના ઘરે લઈ જઈ તેમાં પાણી ભરીને પક્ષીઓ માટે લટકાવી જીવદયાની ભાવનાને ઉજાગર કરી વિશ્વ હિન્દુ પરિષદ નગર સેવા વિભાગની સેવા પ્રવૃતિને સરાહી હતી. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત નિ:શુલ્ક કુંડા વિતરણના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળના કાર્યકરો સાથે પાટણના જીવ દયા પ્રેમીઓએ ઉપસ્થિત રહી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.


