પાટણ શહેરમાં એક મોટો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરો સાથે રૂ. 88.89 લાખની ઠગાઈ થઈ છે. પાટણના વ્રજગાર્ડન સોસાયટીના રહેવાસી સુરેશ ગોવિંદભાઈ જોશી અને અન્ય કોન્ટ્રાક્ટરોએ પાટણ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ કેસમાં CSC ઇ-ગવર્નન્સ સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ અને CSC વાઈ-ફાઈ ચૌપાલ સર્વિસીસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના ગાંધીનગર અને દિલ્હી સ્થિત કુલ 8 અધિકારીઓ સામે ગુનો નોંધાયો છે. આરોપીઓમાં ગાંધીનગરના જયેશ ભાનુશાલી, ડેનીશ ચાંડેગર, વિશાલ નાગર અને દિલ્હીના સંજયકુમાર રાકેશ, વિવેક સિંઘ, અંબિકા ગોયલ, સુમિત ગોયલ અને જ્ઞાનેન્દ્ર પ્રસાદનો સમાવેશ થાય છે.
ફરિયાદ મુજબ, જાન્યુઆરી 2022થી જૂન 2022 સુધીના ઇન્ટરનેટ લાઇનના ઓપરેશન અને મેઇન્ટેનન્સના કામ પેટે કોન્ટ્રાક્ટરોને ચૂકવવાના થતા રૂ. 88.89 લાખ સરકાર પાસેથી મેળવી લીધા છતાં તેમને ચૂકવવામાં આવ્યા નથી. સુરેશ જોશીએ આ મામલે ગાંધીનગર અને દિલ્હીની ઓફિસમાં વારંવાર રજૂઆત કરી, પરંતુ માત્ર ખોટા વચનો જ મળ્યા. RTI દ્વારા જાણવા મળ્યું કે BBNL દ્વારા CSC વાઈ-ફાઈ ચૌપાલ કંપનીને પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ કોન્ટ્રાક્ટરોના ખાતામાં આ રકમ જમા થઈ નથી. ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે TDS ચેક કરતાં જાણવા મળ્યું કે કંપનીએ ટેક્સ કાપીને સીધો જમા કરાવી દીધો હતો. પોલીસે IPC કલમ 406 અને 409 હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.