બદલીની ફાઇલ આપવા માટે માંગી હતી લાંચની રકમ
વિસનગર તાલુકા સેવા સદનમાં સામે આવેલો તાજો લાંચકાંડ આ પ્રશ્નને ફરી એકવાર જીવંત કરે છે. હોમગાર્ડ યુનિટ વિસનગરના ઇન્ચાર્જ ઓફિસર કમાન્ડીંગ હરેશકુમાર મંગળદાસ રાઠોડને ACBએ રૂ.2,000ની લાંચ લેતા રંગેહાથ પકડી લીધા છે. પકડી લીધા છે. આ ગુનો તા. 02/01/2026ના રોજ નોંધાયો છે. ફરિયાદી કોઈ ગુનેગાર નહીં, પરંતુ એક જાગૃત નાગરિક છે. તેમણે નિયમ મુજબ હોમગાર્ડ યુનિટ વિસનગરમાંથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી માટે અરજી કરી હતી. અરજી મંજૂર થઈ, બદલી પણ થઈ એટલે કે બધું કાયદેસર. પરંતુ અહીંથી શરૂ થયો “અંદરખાને” ચાલતો ભ્રષ્ટાચારનો ખેલ. બદલીના ફાઈલના જરૂરી કાગળો આપવા માટે આરોપી અધિકારીએ ફરીયાદી પાસે રૂ.2,000ની લાંચની સીધી માંગણી કરી. સંદેશ સ્પષ્ટ હતો લાંચ નહીં, તો ફાઈલ નહીં! ફાઈલ હવે સરકારી નહીં, ખાનગી મિલકત? આ ઘટના એ ગંભીર સવાલ ઊભો કરે છે કે, શું સરકારી ફાઈલ કોઈ અધિકારીની ખાનગી મિલકત છે? શું નાગરિકને પોતાના જ હકના દસ્તાવેજો મેળવવા માટે લાંચ આપવી ફરજિયાત બની ગઈ છે? વિસનગર તાલુકા સેવા સદનમાં બેઠેલા આ અધિકારીએ સરકારી સત્તાનો ખુલ્લેઆમ દુરુપયોગ કર્યો હોવાનો આરોપ છે.
લાંચ નહીં આપી, કાયદાનો સહારો લીધો ફરિયાદી લાંચ આપવા તૈયાર ન થયા. તેમણે સીધો સંપર્ક કર્યો ACB ગાંધીનગર એકમનો. ફરિયાદ સાચી હોવાનું પ્રાથમિક ચકાસણી બાદ ACBએ લાંચના છટકાનું આયોજન કર્યું. છટકા દરમિયાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂ.2,000ની લાંચ સ્વીકારી, એટલામાં જ ACBની ટીમે કાર્યવાહી કરી. આરોપીને ઓફિસમાં જ પકડી લેવામાં આવ્યા, અને લાંચની સંપૂર્ણ રકમ સ્થળ પરથી જ રિકવર કરવામાં આવી. ACBનું ચોક્કસ અને અસરકારક ઓપરેશન આ ટ્રેપ કાર્યવાહી એચ.બી. ચાવડા, ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર, ACB ગાંધીનગર એકમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહી ઉપર એ.કે. પરમાર, મદદનીશ નિયામક, ACB ગાંધીનગર એકમનું સુપરવિઝન હતું. જ્યારે સમગ્ર એકમની કમાન શ્રી હરેશ મેવાડા, નાયબ નિયામક, ACB અમદાવાદ પાસે હતી. ભ્રષ્ટાચારીઓને કડક ચેતવણી આ કાર્યવાહી માત્ર એક અધિકારી સામેની કાર્યવાહી નથી, પરંતુ સરકારી કચેરીઓમાં બેઠેલા દરેક લાંચિયા માટે કડક સંદેશ છે. “નાનું કામ, નાની લાંચ” જેવી માનસિકતા હવે ACBના રડારમાં છે. એક જાગૃત નાગરિકની હિંમત અને ACBની ત્વરિત કાર્યવાહીથી ફરી એકવાર સાબિત થયું છે કે, જો નાગરિક બોલશે તો જ ભ્રષ્ટાચાર જેવા દુષણને ડામી શકાશે.

