જાહેર પ્રસંગોમાં અડચણરૂપ થતા ઈસમો સામે કડક કાર્યવાહીની માંગ; ડીસા તાલુકાના માલગઢ ગામમાં હોળીના પ્રસંગે હિંસક અથડામણની ઘટના બની હતી. જે મુદ્દે ગામ લોકોએ નાયબ પોલીસ અધીક્ષકને આવેદનપત્ર આપીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
માલગઢ ગામના લોકોએ નાયબ પોલીસ અધીક્ષકને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે, ગામમાં કેટલાક ઈસમો જાહેર પ્રસંગોમાં અડચણરૂપ બની રહ્યા છે. હોળીના દિવસે પણ આ ઈસમોએ હથિયારો સાથે હુમલો કરીને ગામ લોકો સાથે મારામારી કરી હતી. આ ઘટનામાં કેટલાક લોકોને ઈજાઓ પણ થઈ છે.આ ઉપરાંત ગામ લોકોએ આરોપ લગાવ્યો છે કે, આરોપીઓ દ્વારા વારંવાર ગામમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવે છે. તેઓ ગામના જાહેર પ્રસંગોમાં અડચણરૂપ બને છે અને લોકો સાથે ખોટા ઝઘડાઓ કરે છે. ગામ લોકોએ પોલીસને વિનંતી કરી છે કે આ ઘટનાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.