ડીસા તાલુકાના કંસારી ગામમાં દેશી-વિદેશી દારૂના વેચાણ અને અસામાજિક તત્વોના વધતા જતા ત્રાસ સામે ગ્રામ પંચાયત અને ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. કંસારી ગ્રામ પંચાયત દ્વારા ડીસા રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરાવવા માંગ કરી છે.
ગ્રામજનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં સ્થાનિક પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પત્રમાં આક્ષેપ કરાયો છે કે: દારૂના ધંધાર્થીઓ ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે અને કહે છે કે “અમારું રાજ ચાલે છે.”બુટલેગરો દ્વારા પોલીસને મોટા પાયે ‘હપ્તા’ અને ભેટ-સોગાદો આપવામાં આવ છે.સ્થાનિકોનો આરોપ છે કે પોલીસ જ દારૂના સ્ટેન્ડના ભાવ નક્કી કરે છે અને માસિક ઉઘરાણી કરે છે, જેના કારણે બુટલેગરોને મોકળું મેદાન મળ્યું છે.સરપંચ અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ગામમાં ખુલ્લેઆમ દારૂ ગાળવામાં આવે છે અને વેચાય છે. આ અડ્ડાઓ પર અસામાજિક તત્વોનો જમાવડો થતો હોવાથી અવારનવાર ઝઘડા અને તોફાનો થાય છે. આ વ્યસનને કારણે ગામનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે.ઘણી મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે.પરિવારોમાં આર્થિક તંગી અને ક્લેશનું પ્રમાણ વધ્યું છે.
જો કોઈ ગ્રામજન આ પ્રવૃત્તિનો વિરોધ કરે તો બુટલેગરો તેમને પોલીસ દ્વારા ખોટા કેસોમાં ફસાવવાની અને માથાભારે માણસો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપે છે. આ ડરના કારણે અત્યાર સુધી લોકો ચૂપ હતા, પરંતુ હવે ગ્રામજનો દ્વારા ગામમાં ચાલતા દેશી-વિદેશી દારૂના તમામ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરાવવા અને માથાભારે તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી અને તેમને ગામમાંથી તડીપાર કરવા,ગામમાં શાંતિ અને સુરક્ષાનું વાતાવરણ સ્થાપિત કર કરવા પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ વિભાગ પોતાના પર લાગેલા આ ગંભીર આક્ષેપો બાદ કંસારી ગામમાં દારૂબંધીનો કડક અમલ કરાવે છે કે કેમ ?


