એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન, મસાજ સહિત ૨૪ કલાક મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ
વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સમાજ સેવા, સંગઠન, શિક્ષણ, વ્યસન મુક્તિ સહિતના કાર્યોમાં અગ્રેસર
યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવા અને સૂશ્રુષા સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પ દ્વારા અવિરત ત્રણ વર્ષથી માઈભક્તોની સેવા કરવામાં આવે છે. આ કેમ્પ ખાતે યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે. ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા, પાણી, નાસ્તો, જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી મેળામાં આવતા માઇભક્તોની સેવા કરવામાં આવે છે.
વિહોતર ગ્રૂપ ઓફ ગુજરાત સેવા કેમ્પના આયોજક જીવરાજભાઈ આલે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે અંબાજી ચાલતા આવતા પદયાત્રીઓને રહેવાની, સ્નાન, ચા નાસ્તો, ભોજન, મસાજ સહિત ૨૪ કલાક મેડિકલ સુવિધાઓની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. વિહોતર ગ્રૂપ દ્વારા છેલ્લા ૧૨ વર્ષથી સામાજિક સાથે રણુજા જતા પદયાત્રીઓને પણ સેવા આપવામાં આવે છે. આ સેવા કાર્ય વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરાય છે. આ ટ્રસ્ટ પાવાગઢ, ઢીમા સહિત સમગ્ર ગુજરાતમાં ચાલતા પદયાત્રીઓ માટે સેવાનું કામ કરે છે. આ ટ્રસ્ટ સમાજ સેવા, સંગઠન, શિક્ષણ, વ્યસન મુક્તિ સહિત શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે કામ કરે છે. આ સેવા કેમ્પમાં રોજ ૨૦૦ થી વધુ સ્વયંસેવકો કામ કરી રહ્યા છે. આ કેમ્પમાં ૨૪ કલાક હાજર ડોકટર સાથે મેડિકલ સેવાઓ આપવામાં આવી રહી છે. આ સેવા કેમ્પમાં દર રોજ રાત્રે પદયાત્રીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા હજારો યાત્રિકો આવતા હોવાથી સ્વચ્છતા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવે છે.

