વાહનોની લાઈનો લાગી : બે કલાકની જહેમત બાદ જેસીબી વડે ભુવો પુરાતાં હાશકારો ; બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર-અંબાજી માર્ગ ઉપર રતનપુર-મેરવાડા વચ્ચે આવેલ 65 વર્ષ જૂના જર્જરિત પુલના એપ્રોચ ભાગમાં ભુવો પડતાં પુલ સાંકડો હોવાથી વાહન વ્યવહાર ખોરવાયો હતો. અને વાહનોની લાંબી લાંબી કતારો લાગી હતી. જોકે આ ભુવો પડતાં વાહન વ્યવહાર ખોરવાતા તંત્ર દ્વારા પુલની બંને બાજુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. અને પુલની એક સાઈડ ચાલુ રાખી વારાફરતી વાહનોને પસાર કરાવવામાં આવી રહ્યાં છે.
બીજી બાજુ, વહીવટી તંત્ર દ્વારા એપ્રોચ ભાગ પર પડેલ ભુવાને રીપેર કરવા માટે જેસીબી લાવી ભુવો રીપેર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.રીપેરીંગ કામગીરી દરમિયાન પણ આ પુલ ઉપર એક બાજુ ભારે વાહનો જીવના જોખમે પસાર થઈ રહ્યાં હતાં. જો કે બે કલાકમાં આ ભુવાને જેસીબી મશીનથી પુરી દેવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા આ જગ્યાએ નવીન પુલ મંજુર કરવામાં આવ્યો છે.પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે આ પુલ ઉપર મોટી દુર્ઘટના સર્જાય એ પહેલાં સત્વરે નવીન પુલની કામગીરી ઝડપથી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.


